(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
કોરોનાના સંકટને કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોની મુસિબતોમાં વધારો કરનાર ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો હોવાથી પ્રજાની પડખે ઊભી રહેલી કોંગ્રેસે આજે સુરતમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જો કે, જાહેરનામાનો ભંગ થયો હોવાથી પોલીસે કોંગ્રેસના ૬૦ આગેવાનોની અટકાયત કરી લીધી હતી.
કોરોના મહામારીના સમયમાં આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવોમાં રોજબરોજ ભાવવધારો કરી રહી છે આ મોંઘવારીનો માર અસહ્યા બનવાનો છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચોક બજાર સ્થિત ગાંધીજીની તિમા સ્થળે ધરણા-વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ અઠવા પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા તથા પાલિકાના વિપક્ષી નેતા પ્રફુલ તોગડીયા સહિત આશરે ૬૦થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને વિરોધ પ્રદર્શન વખતે પોલીસ અટકાયત કરવા આવી ત્યારે નેતાઓ અને કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતાં. જેથી પોલીસે તમામને બળપૂર્વક પોલીસ વાનમાં બેસાડતી વખતે નેતાઓ અને કાર્યકરોએ સહયોગ ન આપતાં તમામને ઉંચકીને વાનમાં બેસાડવામાં આવ્યાં હતાં. ત્યારે અગ્રણીઓએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો.