વડોદરા, તા.૧૬
કોરોના વાયરસની મહામારીના સમયમાં સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં અને સ્કૂલ ફી અને વેરા માફ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી પાસે ચક્કાજામ કરીને પોસ્ટર્સની હોળી કરી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુ) સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધ સહિત સ્કૂલ ફી, મિલકત વેરો, લાઈટ બિલ સહિતના મુદ્દે યોજેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં. કલેક્ટર કચેરી પાસે ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સાથે પેટ્રોલ-ડીઝલના પોસ્ટર્સની હોળી કરી હતી. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પરત ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. આ સાથે સ્કૂલ ફી અને મિલકત વેરો માફ કરવા માંગણી કરવામાં આવી હતી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીમાં આર્થિક કટોકટીના સમયમાં સરકારે પ્રજાને સહાયરૂપ થવાને બદલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહી છે. તો બીજી બાજુ પાલિકા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ ગયું હોવા છતાં વેરાની વસુલાત કરી રહ્યું છે. કોરોનાના લોકડાઉનમાં અનેક લોકોના નોકરી-ધંધા ઉપર અસર પડી છે, ત્યારે વડોદરાની મોટા ભાગની સ્કૂલો દ્વારા ફી ભરવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા સ્કૂલોની ફી માફ કરવાની જાહેરાત કરવી જોઈએ.