નવી દિલ્હી, તા.૧૧
ભારતની સરકારી ઓઈલ રિટેલર્સ કંપનીઓને પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. વૈશ્વિક તેલ કિંમતોમાં હાલમાં થયેલી રિકવરીના પરિણામ સ્વરૂપે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે પોતાની રીતે પ્રયાસ કરવા તમામને સૂચના આપવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સહિતની કંપનીઓને પેટ્રોલ અને ડિઝલના વેચાણ ઉપર લીટરદીઠ રૂપિયા ૧ સુધીના નુકસાનને ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે. લોકોએ કહ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓને આના કારણે વધારે બોજનો સામનો કરવો પડી શકે છે. પેટ્રોલ અને ડિઝલના વેચાણ પર છુટક પ્રતિ લીટર ૧ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ મામલામાં નજર રાખી રહેલા સૂત્રોએ નામ જાહેર નહીં કરવાની શરતે આ મુજબની વાત કરી છે. બીજી બાજુ ઈન્ડિયન ઓઈલના શેરમાં મંગળવારના દિવસે ૭.૬ ટકાનો ઘટાડો થયો હતો. ઈન્ટ્રા ડેના કારોબાર દરમિયાન નવેમ્બર ૨૦૧૬ બાદથી સૌથી મોટો ઘટાડો થયો છે. જ્યારે એચપીસીએલમાં ૮.૩ ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે. સરકાર તેલ કિંમતોને કાબુમાં રાખવા ઈચ્છુક છે. આ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સરકાર પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો કરીને કોઈ જોખમ લેવા માટે તૈયાર નથી.
ભારત દ્વારા તેની વાર્ષિક ક્રુડ ઓઈલની જરૂરીયાત પૈકી ૮૦ ટકા ક્રુડની આયાત કરવામાં આવે છે. ભારત ઈચ્છે છે કે બેરલદીઠ ૫૦ ડોલર સુધીની કિંમત રાખવામાં આવે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક ઈન્ટરવ્યુમાં આ મુજબની વાત કરી છે. ભારત ક્રુડને લઈને ખુબ જ આધારીત દેશ તરીકે છે. ફ્યુઅલ કિંમતો પર એક્સાઈઝ ડ્યુટીમાં કાપના લીધે રેવન્યુ વસુલાતમાં સીધી અસર થઈ છે. બીજી બાજુ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા તેલ કિંમતોમાં વધુ ઉથલપાથલના અનુસંધાનમાં જુદી જુદી કિંમતોમાં સબસીડી પેમેન્ટ માટે તૈયાર રહેવા પણ કહેવામાં આવ્યું છે.