(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૫
પ્રાંતિજના નેશનલ હાઈવે-૮ના પીલુદ્રા -પોગલુ પાટીયા પાસે ગત રાત્રે પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાઇ જતા નાસભાગ મચી જવા પામી હતી. તો ડ્રાઈવર-કંડકટરનો આબાદ બચાવ થયો હતો . રાજકોટથી પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેન્કર દાંતા તરફ જઇ રહ્યું હતું. ત્યારે પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર પીલુદ્રા-પોગલુના પાટીયા પાસે રાત્રીના સમયે પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેન્કર રોડના ચાલતા કામને લઈને રોડની સાઇડમાં આવેલ કેનાલ પાસે રહેલ ખાડામાં પડ્યું હતું. જેથી ટેન્કર કેનાલની પાળી ઉપર પલ્ટી ખાઇ ગયું હતુ . પલ્ટી ખાધેલ ટેન્કરના ઢાંકણા થોડાં થોડા ખુલી જતા લાખો રૂપિયાનું ઈધણ કેનાલ તથા રોડ ઉપર ઢોળાઇ ગયું હતું. આ અકસ્માત અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી એક સાઇડનો હાઈવે બંધ કરાવી ટ્રાફિકનુ નિયમન કર્યું હતું. જ્યારે પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો . તો ક્રેનની મદદથી પલ્ટી ખાધેલ ટેન્કરને ઉભું કરવામા આવ્યું હતું. આમ, સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી .