(એજન્સી) તા.૬
બુધવારે કોલકાતા પોલીસે લગભગ પ૦ વર્ષની ઉંમર ધરાવતા એક ચર્મ ટેકનોલોજીના જાણકારની ધરપકડ કરી હતી. જે છેલ્લા ત્રણ વર્ષથી તેની માતાના મૃતદેહને ફ્રિઝમાં સાચવી રહ્યો હતો. પોલીસે કહ્યું કે, સુભાબ્રાતા મજુમદાર છેલ્લા ત્રણ વર્ષથી તેની મૃત માતાનું પેન્શન મેળવી રહ્યો હતો. તેની માતાનું મૃત્યુ ૭ એપ્રિલ ર૦૧પના દિવસે થયું હતું. મજુમદારે ‘મમીફિકેશન’ પદ્ધતિનો ઉપયોગ કરી તેની માતાનો મૃતદેહ આઈસ્ક્રીમ સાચવવા માટે વપરાતા ફ્રિઝરમાં સાચવી રાખ્યો હતો. કોલકાતા પોલીસે દક્ષિણ કોલકાતાના બેહાલામાં આવેલા મજુમદારના નિવાસસ્થાનેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તે જ ઘરમાં તેની સાથે રહેતા તેના પિતા ગોપાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મજુમદારે તેની માતાના મૃતદેહમાંથી આંતરિક અંગો કાઢી લીધા હતા અને તેને સાચવવા માટે ફોર્માલડિહાઈડ નામના કેમિકલનો ઉપયોગ કર્યો હતો. કોલકાતાના સાઉથ વેસ્ટ ડિવિઝનના ડેપ્યુટી કમિશનર નિલંજન વિશ્વાસે પત્રકારોને જણાવ્યું હતું કે, સુભાબ્રાતા મજુમદાર તેની માતાના પેન્શન એકાઉન્ટમાંથી રોકડ ઉપાડવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. અમે આ તપાસ કરી રહ્યા છીએ કે જીવન સર્ટિફિકેટ વગર બેઠે છેલ્લા ત્રણ વર્ષથી પેન્શન એકાઉન્ટ કેવી રીતે ચાલુ રાખ્યું. સુભાબ્રાતા મજુમદારની માતા બીના અને પિતા ગોપાલ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા. સુભાબ્રાતા મજુમદાર ચર્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરતો હતો. પરંતુ પાંચ વર્ષ પહેલા તેણે નોકરી છોડી દીધી હતી.