(એજન્સી) તેલ અવિવ, તા.૧૫
ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુએ ટ્રમ્પને પ્રભાવિત કરવા પેલેસ્ટીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસનો બનાવટી વીડિયો બનાવ્યો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે, તેઓ મધ્ય-પૂર્વ માટે અમેરિકાની અને ટ્રમ્પની નીતિઓની ટીકાઓ કરી રહ્યા છે. આ પ્રકારનું સંવેદનશીલ આક્ષેપ વોશિંગ્ટન પોસ્ટના વરિષ્ઠ પત્રકાર બોબ વુડવર્ડે પોતાના નવા પુસ્તક “રેજ”માં મૂક્યા છે. વુડવર્ડે પોતાની પુસ્તકમાં ટ્રમ્પની વિદેશ નીતિઓના નિર્ણયો અંગે લખ્યું છે. એમણે જણાવ્યું છે કે, નેતાન્યાહુ દ્વારા વીડિયો બતાવ્યા પછી ટ્રમ્પે પેલેસ્ટીન માટે અમેરિકાની નીતિને બદલી નાંખી હતી. આ વીડિયો બનાવટી હતો જેમાં દર્શાવ્યું હતું કે, અબ્બાસ ટ્રમ્પની હત્યા કરવા આદેશો આપી રહ્યા છે.
ટ્રમ્પની પેલેસ્ટીન અંગેની નીતિમાં એ પછી ફેરફાર થયું હતું જેની વિગતો અમેરિકાના પૂર્વ સચિવ ટીલરસને વુડવર્ડને જણાવી હતી. જો કે, ૨૦૧૮માં ટ્રમ્પ સાથે મતભેદ થતાં ટીલરસનને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હતો.
પેલેસ્ટીન સાથેની શાંતિ સમજૂતીમાં ટ્રમ્પ નેતાન્યાહુને મુખ્ય અવરોધ સમજતા હતા. જ્યારે નેતાન્યાહુ ટ્રમ્પના શાસનની શરૂઆતમાં અમેરિકા ગયા હતા ત્યારથી જ ટ્રમ્પને એમની ઉપર શંકા હતી. એમણે નેતાન્યાહુને કહ્યું પણ હતું કે, શાંતિ સમજૂતી તમે જ અટકાવો છો નહીં કે, પેલેસ્ટીન. જો કે, ૨૦૧૭માં ઈઝરાયેલની મુલાકાત દરમિયાન ટીલરસને ચેતવણી આપી હતી કે, વીડિયો બનાવટી હતો એ પછી નાટકીય રીતે ટ્રમ્પનું વલણ બદલાઈ ગયું. બનાવટી વીડિયો તેલ અવિવમાં ટ્રમ્પને નેતાન્યાહુ સાથેની મીટિંગમાં બતાવાયો હતો. વીડિયો જોયા પછી તે વખતે ટ્રમ્પ ખિન્ન થઈ જતાં જેરેડ કુશનેરે ટીલરસનની ઝાટકણી કાઢી હતી.
વીડિયોમાં અબ્બાસ ટ્રમ્પ અને તેમના બાળકોની હત્યા કરવા કહી રહ્યા છે. નેતાન્યાહુએ ટ્રમ્પને કહ્યું, શું તમે આ વ્યક્તિને મદદ કરવા ઈચ્છો છો ? તે વખતે ટીલરસને કહ્યું હતું કે, વીડિયો બનાવટી છે પણ ટ્રમ્પ માન્યા ન હતા. આ પછી ટ્રમ્પે પેલેસ્ટીનને બધી મદદ બંધ કરી દીધી હતી.