(એજન્સી) તા.ર૬
આફ્રિકાના મુસ્લિમ રાજ્યના પ્રમુખ ઈસ્માઈલ ઉમર ગુએલેહે કહ્યું કે અમારો દેશ જીબુતી, ઈઝરાયેલ સાથે સત્તાવાર સંબંધોની સ્થાપના નહીં કરે જ્યાં સુધી તે પેલેસ્ટીનીઓ સાથે શાંતિ સ્થાપવા માટે કામ ન કરે. સપ્ટેમ્બરમાં પેલેસ્ટીની મંત્રી અહમદ મજદલાનીએ કહ્યું હતું કે ઓમાન, સુદાન, કોમોરોસ અને મૌરિશાનિયા સહિત પાંચ અન્ય મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી એક જીબુતી છે. જે સંબંધો સામાન્ય બનાવવા માટે ઈઝરાયેલ સાથે વાટાઘાટ કરશે. આ અઠાવાડિયે ફ્રેન્ચ પ્રકાશન ધ આફ્રિકા રિપોર્ટ સાથેની એક મુલાકાતમાં ગુએલેહે કહ્યું હતું કે સ્થિતિ હજુ સુધી ઉચિત જણાતી નથી. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે સરકાર શાંતિ માટેનો એક ઈશારો આપે તો બદલામાં અમે દસ પગલાં ભરીશું. પરંતુ મને ડર છે કે તેઓ ક્યારેય આવું કરશે નહીં. તેમણે નોંધતા કહ્યું હતું કે પૂર્વી આફ્રિકન દેશને યહુદીઓને પ્રજા તરીકે અને ઈઝરાયેલીઓને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારવામાં કોઈ વાંધો નથી. અમે ઈઝરાયેલી સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે તેઓ પેલેસ્ટીનીઓના અનિવાર્ય અધિકારોને નકારી રહ્યા છે. કેટલાક ઈઝરાયેલીઓ જીબુતીમાં તેમના પાસપોર્ટ સાથે વ્યવસાય કરવા આવે છે અને જીબુતીના નાગરિકો છેલ્લા રપ વર્ષોથી ઈઝરાયેલની મુસાફરી કરી શકયા છે.