(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
પોકરને જુગાર તરીકે ન ગણવા અને ગુજરાતમાં આ રમત રમવા માટેની પરવાનગી માગતી અપીલોની ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠ ૧૯મી ડિસેમ્બરથી રોજીંદા ધોરણે પોકર અંગે થયેલી ચારેય લેટર્સ પેટન્ટ અપીલો સુનાવણી હાથ ધરશે. આ પિટિશન ઇન્ડિયન પોકર એસોસિએશન, ડોમિનન્સ ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમન છાબરા અને અમદાવાદની રમાડા હોટલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે કે, પોકર એ કૌશલ્ય અંગેની રમત છે. તેને જુગારના દ્રષ્ટિકોણથી ન જોવી જોઇએ. તેથી આ રમત અંગે કોઇ પ્રતિબંધ ન હોવા જોઇએ. ડિસેમ્બર-૨૦૧૭માં હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ આ અંગે અરજી કરવામાં આવી હતી. સિંગલ જજે આ અરજીઓ ફગાવી ચુકાદો આપ્યો હતો કે, આ રમત ચાન્સ આધારિત છે અને જુગારની પરિભાષામાં આવે છે. જેથી સિંગલ જજના આદેશ સામે ડિવિઝન બેંચમાં અપીલ કરવામાં આવી છે. ડિવિઝન બેન્ચે આ અપીલોની ૧૯મી ડિસેમ્બરથી રોજીંદી સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.