(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૮
સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ સિવિલ અને પોગલુ પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકિસનના ડ્રાય રનનું રિહર્સલ યોજાયું હતું. પ્રાતિજ આરોગ્ય કેન્દ્ર ખાતે રાજયના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ મુલાકાત લઈ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આવનારા સમયમાં ખૂબ મોટી સંખ્યામાં રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને આજે સાબરકાંઠાના પ્રાંતિજની સિવિલ હોસ્પિટલ તથા પોગલુ પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિન મુકવા ડ્રાય રન મોબાઈલ યોજવામાં આવ્યુ હતું. આગામી સમયમાં રસીકરણ દરમ્યાન સામે આવનાર મુશ્કેલીઓ સમજી વેક્સિનેશન વેળાની સંભવિત અગવડતાઓને નિવારી શકાય તેવા હેતુથી આ ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાય રનમાં ૨૫ જેટલા કોરોના વ્યક્તિના લાભાર્થીઓને કોરોના વેક્સિન મુકવાની તબક્કાવાર કામગીરી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં કોરોના વોરિયર્સ તેમજ ૫૦વર્ષથી ઉપરની ઉંમરના વયસ્ક લોકો પૈકી દરરોજ ૧૦૦ વ્યક્તિઓને રસી આપવામાં આવશે. આ પ્રસંગે ર્ડા.ચિરાગ મોદી, તાલુકા બ્લોક અધિકારી એ.એચ.સોલંકી, સિવિલના ર્ડા.હર્ષ પટેલ, પોગલુ સરપંચ રમીલાબેન પટેલ સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રાંતિજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ રસીકરણ રિહર્સલ કાર્યક્રમનું નિરીક્ષણ કરવા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી હતી. તેમની સાથે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે, સ્ટેટ ઈમ્યુ.ઓફિસર ર્ડા.નયન જાની, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા બ્લોક હેલ્થના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં .