(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૨
રાજ્યસભાની ગુજરાતની ખાલી પડી રહેલી ચાર બેંકોની ચૂંટણીએ રાજકારણમાં ગરમી આવી છે. વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યાબળને લઈ ભાજપ માટે પોતાની ત્રીજી બેઠક જાળવી રાખવા સામે પડકારો હોઈ તડજોડની નીતિ અપનાવે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેમાં છેલ્લા બે દિવસથી કોંગ્રેસના ધારાસભ્યોને કરોડોના નાણાંની ઓફરની નીત-નવી અટકળો સાથેની વાતો વહેતી થઈ છે. મધ્યપ્રદેશમાં સિંધિયાના ભાજપમાં પ્રવેશને લઈ ગુજરાતમાં ધારાસભ્યો તોડવાની વાત વધુ ચગવા પામી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ તરફથી પોતાના બે ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને ત્રીજા ઉમેદવારની જાહેરાત બાકી રાખવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસમાંથી પણ બે ઉમેદવારો જાહેર કરાયા છે. પરંતુ તેમાં ઉગ્ર વિરોધ થતા કોંગી હાઈકમાન્ડ સમક્ષ રજૂઆતોનો દોર જારી કરી દેવાયો છે. તો બીજી તરફ ભાજપ તરફથી પોતાની ત્રીજી બેઠક જાળવી રાખવા માટે કવાયત તેજ બનાવી દેવાઈ છે. કોંગ્રેસના કેટલાક સભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વચ્ચે આજે કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોંગ્રેસના ધારસભ્યો બિલકુલ અકબંધ છે. સંખ્યાબળ ૭૪નું છે અને છેલ્લે સુધી ૭૪નું જ રહેશે. રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો સતત નિવેદન કરી રહ્યાં છે, જેને લઇ બંને પક્ષે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને બંને પક્ષના નેતાઓના નિવેદનોની સાથે સાથે અફવા અને આક્ષેપોનું પણ બજાર ગરમ છે, તેમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની ચર્ચા શરૂ થતા કોંગ્રેસ ધારાસભ્યોને ભાજપમાં જતા બચાવવા મેદાને પડી છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો અકબંધ છે. કોઈ ઓફરો થઈ નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તોડજોડની નીતિ કામ લાગશે નહીં. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસના ધારાસભ્યો આ વાતને સમર્થન આપતાં નથી. બીજી તરફ ભાજપ તોડજોડની નીતિ અપનાવતો હોવાનું ખુદ કોંગ્રેસના ધારાસભ્યો જ નિવેદનબાજી કરી રહ્યા છે. તો, ભાજપના જ કેટલાક નેતાઓએ રાજયસભાની ચૂંટણીને લઇ થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા ખુલ્લુ આમંત્રણ પાઠવ્યું હતું. આમ, રાજયસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં સત્તાનુંં રાજકારણ ગરમાયુ છે રાજયસભાની ચૂંટણી બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. હાલની સ્થિતિ જોતાં ભાજપ અને કોંગ્રેસ બંને બે-બે બેઠકો પર જીતનો દાવો કરી રહી છે પરંતુ ભાજપ તડજોડની કૂટનીતિ મારફતે વધુ એક બેઠક કોંગ્રેસ પરથી આંચકવાની ફિરાકમાં છે તો કોંગ્રેસ પણ તેના ધારાસભ્યોને બચાવવાની ડિફેન્સ નીતિ સાથે ફુંકી ફુંકીને પગલા ભરી રહી છે.