(એજન્સી) લખનૌ, તા.૮
એક કમકમાટીભરી ઘટનામાં લખનૌના શાહીદ પથ ખાતે એક અજાણ્યા વાહને પરપ્રાંતિય દંપતીને કચડી નાંખ્યા હતા. તેમના બે બાળકોને ઈજા પહોંચી હતી. લોકડાઉનના કારણે કોઈ વાહન નહીં મળતાં આ દંપતીએ સાયકલ પર જ કુટુંબ સાથે પોતાના વતન છત્તીસગઢની રાહ પકડી હતી. પત્રકારો સાથે વાત કરતાં પૂર્વના ડીસીપી સોમન બર્માએ જણાવ્યું હતું કે, ગુરૂવારે પરોઢિયે સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના અને તેની પત્ની પ્રમિલા છત્તીસગઢના વતની હતા. આ દુર્ઘટનામાં તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણ વર્ષીય નિખિલ અને ચાર વર્ષીય પુત્રી ચાંદનીને ગંભીર ઈજા પહોંચી હતી. આ બાળકોને સારવાર અર્થે લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રિષ્ના અને પ્રમિલા લખનૌમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. તેઓ જાનકીપુરમ વિસ્તારમાં એક વસાહતમાં રહેતા હતા. લોકડાઉનના કારણે આ દંપતી પાસે વતન પરત ફરવા કોઈ વાહન નહીં હોવાથી તેઓ સાયકલ પર વતન જવા નીકળ્યા હતા. દરમિયાન લખનૌમાં શાહીદ પથ ખાતે ક્રિષ્નાની સાયકલને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. વેટમાર્ગુએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી અને પરિવારને હોસ્પિટલ મોકલ્યો હતો. ક્રિષ્ના અને પ્રમિલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી.
પોતાના વતન છત્તીસગઢ જવા સાયકલ પર ૭૦૦ કિ.મી. લાંબી મુસાફરી કરનારા ઉ.પ્ર.ના પ્રવાસી દંપતીનું લખનૌ ખાતે વાહને ટક્કર મારતાં મોત : બે બાળકોની હાલત ગંભીર

Recent Comments