(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મોટેરા સ્ટેડિયમ ખાતે આવી રહ્યાં છે. જ્યારે તમામની નજર ભારત અને અમેરિકાના સંબંધ પર ટકેલી છે. પરંતુ ટ્રમ્પ અમેરિકામાં આવનારી ચુંટણી માટે પોતાની વોટબેંક મજબુત કરવા આવી રહ્યાં છે. કારણ કે અમેરિકામાં સૌથી વધુ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. તેમાં પણ ગુજરાતીની સંખ્યા વધુ છે. તેમણે પોતાની તરફ આકર્ષવા આ પ્રયાસ થઇ રહ્યો છે એમ રાજકીય વિવેચક સંજય બારુનું કહેવું છે.
એમ.એસ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જીનિયરીંગ ખાતે ફુટ પ્રિન્ટ ઇવેન્ટનો પ્રારંભ થયો છે. જે નિમિત્તે રાજકીય વિવેચક સંજય બારુએ દેશના અર્થતંત્ર અને મોડી રોકાણ વિશે વિદ્યાર્થીઓ સાથેની વાતચીત કરી હતી. પત્રકાર પરિષદમાં સંજય બારુએ કહ્યું હતું કે, પ્રેસીડન્ટ ટ્રમ્પે ભારત આવતા પહેલા ભારત વિકસીત દેશ હોવાનું નિવેદન આપ્યું છે. પરંતુ આપણે હજુ વિકાસશીલ દેશમાં આવીએ છીએ.
આ નિવેદનથી આપણે ખુશ થવાની જરૂર નથી. કારણ કે તેનાથી આપણા દેશને નુકસાન જ થવાનું છે. તે માને છે કે ભારત વિકસીત દેશ છે. એટલે કે વિકાસશીલ દેશ તરીકે ભારતને જે ફાયદો મળે છે તે નહીં મળે. ઉપરાંત એકસ્પોઝ ડયુટી પણ વધારી દેશે. અમેરિકાના ચીન સાથે સંબંધ બગડતા તેઓ પોતાનું મૂડી રોકાણ ભારતને બદલે એશિયાના નાના-નાના દેશો જેવા કે, વીએતનામ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશમાં કરી રહ્યાં છે. તેઓ મૂડી રોકાણ માટે ભારતને નંબર વન ડેસ્ટીનેશન માણતા નથી. સંજય બારુએ કહ્યું હતું કે, યુવાનોને ગુણવત્તા સબળ શિક્ષણ મળવું જ જોઇએ. કારણ કે તેઓ દેશ માટે ભવિષ્યની સંપત્તિ છે. એશિયાના પૂર્વ દેશો જેવા કે વીયેતનામ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયામાં સાક્ષરતાનો દર ૮૦ ટકા છે. જ્યારે ભારત હજુ ૮૦ ટકા એ પહોંચી શક્યું નથી. અત્યારે ભારતનો દર ૭૪ ટકા છે. દાદાભાઇ નવરોજીએ ૧૮૬૭ માં એક પુસ્તકમાં લખ્યું હતું કે, ભારત ગરીબ દેશ એટલા માટે બન્યું છે કારણ કે બ્રિટીશરો આપણી સંપત્તિ વિદેશ લઇ ગયા. અત્યારે પણ ભારત ગરીબ જ બની રહ્યું છે. કારણ કે વિદેશીઓ આપણું યુવાધન લઇ જઇ રહ્યાં છે. અંગ્રેજી બોલતા દેશોને શિક્ષિત મજુરોની જરૂર છે. જે સૌથી વધુ ભારત પાસે છે. આપણા દેશમાં નોકરીની તકો નથી એટલે તેઓ વિદેશ જઇ રહ્યાં છે એમ સંજય બારુનું કહેવું છે.