(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
એંગેજમેન્ટ એનિવર્સરિના દિવસે જ પેટમાં ગોળી મારીને આપઘાત કરી લેનાર મહિલા પીએસઆઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અ્‌તિમ વિદાય આપવામાં આવી હતી. આ તબક્કે પરિજનોથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા.
વર્ષ ૨૦૧૩માં સબ ઈન્સપેક્ટરની પરિક્ષા પાસ કરીને કોન્સ્ટેબલથી સીધી પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મેળવનાર અમિતા જોષીના પિતા બાબુલાલ પણ પોલીસ દળમાં ફરજ બજાવતા હતા. પોલીસ વિભાગ સાથે સંકળાયેલી હોવાથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ ફરજ બજાવતા વૈભવ વ્યાસ સાથે તેમના લગ્ન લેવાયા હતા. પાંચ વર્ષના પુત્ર જૈમિનની મમ્મી એવા અમિતા જોષીની છબિ અત્યંત કડક અધિકારી તરીકેની હોવાથી મોટેભાગે ગુનેગારો તેમની નજીક ફરકતા ન હતા.
પરમદિવસે રાત્રે નાઈટ ડ્યુટી કર્યા બાદ વહેલી સવારે પરત ફરેલા અમિતા રાત્રિ દરમિયાન પણ ખુબ પરેશાન હતા. સવારે પરત ફરીને સુઈ ગયા બાદ બપોરે એકાદ વાગ્યાના અરસામાં તેમણે આપઘાત કર્યો હતો. સર્વિસ રિવોલ્વર વડે પેટમાં ગોળી મારીને આપઘાત કરતાં પહેલા પતિ સાથે ટેલિફોન પર ખુબ ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. અણધાર્યા મોતથી પોલીસ તંત્રમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેમના અવસાનથી પોલીસ બેડામાં ચકચાર જાગી છે. અંતિમ યાત્રા પૂર્વે સુરત પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ તબક્કે પરિજનો, પોલીસ દળના સાથીઓ તેમજ ઉચ્ચ પોલીસ અ્‌ધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પતિ સામે આપઘાત અંગે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાઈ શકે

આપઘાત પૂર્વે પતિ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં બંને પક્ષે ખુબ દલીલોને અંતે અમિતાએ આપઘાત કર્યો હતો જેથી પોલીસ પતિ સામે આપઘાત અંગે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થઈ શકે છે. જીવનથી ત્રસ્ત થયેલા અમિતાને મોત સુધી દોરી જવા પાછળ કોણ જવાબદાર છે તે અંગે મહિધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.