(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૧
ખ્યાતનામ સામાજિક, ધાર્મિક અને રાજકીય નેતાઓએ સામાજિક સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથે ભાઈચારો અને સમર્થન જાહેર કરતા જણાવ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા ફ્રન્ટની ભારતભરની ઓફિસો અને એમના નેતાઓ અને હોદ્દેદારોના ઘરોમાં પાડવામાં આવેલ દરોડાઓને અમે વખોડી કાઢીએ છીએ. એમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડી મીડિયા સમક્ષ પોતાનો રોષ અને નારાજગી પ્રકટ કરી હતી. ઈ.ડી. દ્વારા કાયદેસરની પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઉપર પાડવામાં આવેલ દરોડાઓ બદલ એમણે આઘાત અને આશ્ચર્ય દર્શાવ્યું હતું. એમણે કહ્યું કે, ભાજપની સરમુખત્યારશાહીનું આ વધુ એક દાખલો છે. જેઓ સરકારી એજન્સીઓનો દુરુપયોગ પોતાના રાજકીય વિરોધીઓ અને એમની નીતિઓનો વિરોધ કરનારાઓ સામે કરી રહ્યા છે. આ નેતાઓએ માંગણી કરી છે કે સરકારે રાજકીય પ્રેરિત આ પ્રકારના દરોડાઓ બંધ કરવા જોઈએ. સરકાર પ્રત્યેક પ્રસંગે અને પ્રત્યેક આંદોલનમાં પોપ્યુલર ફ્રન્ટ હોવાની વાત કહે છે પછી એ ખેડૂત આંદોલન હોય, હાથરસ જેવી ઘટના હોય બધામાં પોપ્યુલર ફ્રન્ટને એમાં ઘસડી જાય છે. સરકાર લોકોનું ધ્યાન અન્યત્ર વળવા પ્રયાસો કરે છે. નિવેદનમાં સહી કરનારાઓમાં મૌલાના વાલી રહેમાની- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી, નવેદ હમીદ – અખિલ ભારતીય મુસ્લિમ મજલિસ -એ મુશાવેરત, ન્યાયાધીશ બી. જી. કોલસે – બોમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ, હઝરત સજ્જાદ નોમાની- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કાર્યકારી સમિતિના સભ્ય, હઝરત સૈયદ સાવર ચિશ્તી ખાદીમ દરગાહ અજમેર શરીફ, મૌલાના ઉમરેન મહફૂઝ રહેમાની, રાષ્ટ્રીય સચિવ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્યો હતા.