(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮
કોરોના વાયરસને વધતો અટકાવવા માટે ર૧ દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે આ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી આપણા સ્વાસ્થ્યની ચિંતા કરતા પોલીસકર્મીઓ ર૪ કલાક ખડેપગે રહે છે. પરંતુ હજુ પણ ઘણા લોકો કામ વિના બહાર નીકળે છે જેને લીધે પોલીસ ડંડાવાળી નીતિ અપનાવે છે તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ લેતા નથી ત્યારે પોલીસને સહકાર આપી પ્રજા પણ તેમને સહકાર આપે તે ખૂબ જરૂરી છે. કેમ કે, જીવના જોખમે પોલીસ જે ફરજ નિભાવી રહી છે તેને જોતા પ્રજા પણ પોતાની ફરજ નિભાવી ઘરમાં રહે તો જ આપણે કોરોના વાયરસ સામેનું યુદ્ધ જીતી શકીશું. લોકડાઉનમાં ર૪ કલાક ખડેપગે રહેતા પોલીસકર્મીઓ જ્યારે પોતાના ઘરે જાય તો ઘરના લોકો પણ ડરે છે. એક પોલીસકર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ફરજ પરથી ઘરે જાય તો તેમના પરિવારના સભ્યો પણ તેમનાથી ડરે છે. તેમના કપડાથી લઈને પાકિટ, બેગ સહિતનો તમામ સામાન અલગ રાખે છે અને સેનેટાઈઝ કરે છે જેનાથી તેમને કોઈ ચેપ લાગે નહીં. પરંતુ અમે હજુ પણ અમારી ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખીશું નહીં. જો કે, બીજી તરફ એક પોલીસકર્મી ઘરે જમવા ગયા તો તેમના પરિવારજનો તેમનાથી દૂર ઊભા રહે છે આવો એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે એક બાજુ પ્રજાની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહેતા પોલીસકર્મીઓ સતત ફરજ નિભાવી રહ્યા છે, તો બીજી બાજુ લોકો ઘરમાં બેસીને કંટાળ્યા હોવાના બહાના ધરીને ઘરની બહાર વગર કામે લટાર મારવા નીકળે છે જેના લીધે પોલીસની કામગીરી વધી જાય છે. ત્યારે આપણી સુરક્ષા અને સલામતી માટે ફરજ નિભાવતી પોલીસને આપણે જ સપોર્ટ કરવો ખૂબ જરૂરી છે. ઘણા પોલીસકર્મીઓ ફરજ નિભાવીને ઘરે જાય ત્યારે તેમના ઘરના લોકોને પણ ચેપ લાગવાની શક્યતાઓ રહેલી છે. એટલે કેટલાક પોલીસકર્મીઓના પરિવારજનો પણ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમને રજા ઉપર ઉતરી જવાનું કહે છે. પરંતુ રાષ્ટ્રહિત માટે ફરજ નિભાવતા પોલીસકર્મીઓ પરિવારની લાગણીઓને નેવે મૂકીને પણ પોતાની ફરજ નિભાવે છે, તો શું આપણે ઘરમાં રહીને પોલીસની કામગીરી ઓછી કરીને કોરોના સામેનો જંગ જીતવામાં પોલીસને મદદ ના કરી શકીએ ?