(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩૧
લોકડાઉનમાં શ્રમજીવીની હાલત કફોડી બની રહી છે. ત્યારે પૈસા ખુટી જતાં લોકોની ધીરજ પણ ખુંટવા માંડી છે. તેવા સમયે એક કારીગર પાસે પૈસા પુરા થઇ જતાં શેઠને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી. ત્યારે ઘરે આવીને પૈસા લઇ જવાનું કહેતા પોલીસના દંડાથી બચવા માટે બાઇક પર શેઠ પાસે પૈસા લેવા માટે નિકળ્યાં હોવાનું કારણ આપતું એક કાગળ ચોટાડી દીધુ હોવાનું સામે આવ્યું છે.
અત્યારે સૌથી વધુ કફોડી હાલત કારીગર મજૂરોની થઈ છે. પૈસા ન હોવાને કારણે જીવન નિર્વાહ માટે શું કરવું તેની ચિંતા છે. જોકે, ઘરની બહાર નીકળવાથી પોલીસના ડંડાનો માર સહન કરવો પડે એમ હોવાથી એક કારીગરે પોતાની મોટરસાયકલ ઉપર ઘરની બહાર નીકળવા માટેનું કારણ આપતું કાગળ ચોટાડવાનો નુસખો અજમાવ્યો હતો. છેલ્લા દસ બાર દિવસથી ઘરમાં પુરાયેલા એક કારીગરે પૈસા પુરા થઈ ગયા હોવાથી શેઠને ફોન કરીને પૈસા માંગ્યા હતા. જેમાં શેઠે ઘરે આવીને લઈ જવાનું કહેતાં આ કારીગરે પોતાને મોટરસાયકલ ઉપર શેઠ પાસે પૈસા લેવા માટે નીકળ્યો હોવાનું કારણ આપતું એક કાગળ ચોંટાડી દીધું હતું, કે જેથી રસ્તામાં પોલીસ પરેશાન નહીં કરે અને દંડો ઉગામતા પહેલાં જ રસ્તા પર નીકળવાના કારણ વિશે પોલીસ જાણી લે. મોટરસાયકલ પર પૈસા લેવા માટે ઘરેથી નીકળેલા આ કારીગરની તરકીબ સફળ થઈ હતી અને તેને શેઠના ઘરેથી પૈસા મળી ગયા હોવાનું જણાવ્યું હતું.