(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.૬
પાટણ જિલ્લા સહિત રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને ત્રણ મહિના સુધી મફત જથ્થો આપવા તેમજ સાંતલપુર તાલુકાના ગઢ ગામના યુવાનનું પોલીસના મારથી મૃત્યુ થયાનો આક્ષેપ કરી જવાબદારો વિરૂદ્ધ કાયદેસર પગલાં ભરવાની માંગણી સાથે રાધનપુર, પાટણ અને સિદ્ધપુરના ધારાસભ્યોએ જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા પોલીસવડાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને રાજ્યના મુખ્યપ્રધાનને ઈ-મેલ મારફતે આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
પાટણ જિલ્લામાં કોંગ્રેસના રઘુ દેસાઈ, કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે આ ત્રણેય ધારાસભ્યોએ રજૂઆત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, સાંતલપુર તાલુકાના ગઢ ગામના રાવળ મહેશકુમાર ઈશ્વરલાલને તારીખ ૩૦/૩/ર૦ર૦ના રોજ સાંજે વારાહી પોલીસ ઉઠાવી ગઈ હતી અને બીજા દિવસે સવારે પોલીસે પરિવારજનોને બોલાવ્યા હતા અને બપોરે રઃ૦૦ સોંપી દીધેલ આ સમયે મહેશકુમારે જણાવેલ કે પોલીસે મને ગુપ્ત ભાગે એને પેટમાં માર મારેલ છે. ત્યારબાદ તેની તબિયત વધુ બગડતાં વારાહી દવાખાને લઈ ગયેલ અને પરત ઘરે આવતાં મોત નિપજ્યું હતું. પોલીસે દબાણમાં દફનવિધિ કરાવી હતી પરંતુ ગામ લોકોને જાણ થતાં ઉગ્રા રજૂઆતો બાદ મૃતદેહ બહાર નીકળી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ તબીબો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. આ ગંભીર બનાવમાં જવાબદારો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.આ ઉપરાંત જિલ્લાના ૪૦ ટકાથી વધુ રેશનકાર્ડ ધારકોના કાર્ડ બંધ છે. તેઓને પણ પુરવઠો આપવામાં આવે તેવી ત્રણેય ધારાસભ્યોએ જિલ્લા ક્લેક્ટરને રજૂઆત કરી હતી. રાજ્યના એપીએલ ૧ અને એપીએલ ર સહિત જે રેશન કાર્ડ ધારકોના કાર્ડ બંધ છે. તે તમામને ત્રણ મહિના સુધી પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં આવે તેવી માંગ કરી હતી.