(એજન્સી) સહારનપુર, તા.૧પ
બુધવારે દેવબંદના રહેવાસીઓએ ઘરમાં ઘૂસી બળપ્રયોગ કરવાની પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયામાં ૮ મેના રોજ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દેખાતું હતું કે પોલીસ દેવબંદની પઠાણપોરા વસાહતમાં ઘૂસી રહી છે અને લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા છે. દેવબંદના રહેવાસી ડૉ.ઝુબેર અસલમે કહ્યું હતું કે, જેવી રીતે પોલીસ લોકોના ઘરોમાં ઘૂસી રહી છે તે સ્વીકાર્ય નથી. જો કોઈ લોકડાઉનનો ભંગ કરે તેને સજા થવી જોઈએ. તેના પરિવારના સભ્યોને નહીં જ્યારે એક ન્યૂઝ વેબસાઈટે દેવબંદના એસએચઓ સાથે સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમે આ કેસની તપાસ કરી રહ્યા છે. સહારનપુરના એસએસપી દિનેશકુમારે એક વીડિયો નિવેદનમાં દાવો કર્યો હતો કે લોકોએ લોકડાઉનનો ભંગ કરી કોન્સ્ટેબલો પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આથી તેમના વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જો કે, દેવબંદના એક રહેવાસીએ કહ્યું હતું કે, પોલીસે આ સમજવાની જરૂર છે કે હિંસા દ્વારા કોરોનાથી છૂટકારો નહીં મેળવી શકાય અને તેમણે લોકડાઉનનો લાભ ઉઠાવી એક ચોક્કસ સમુદાયને લક્ષ્યાંક બનાવવો ન જોઈએ. અન્ય રહેવાસીઓએ કહ્યું હતું કે, લોકો સ્થાનિક રાજકારણના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. નેતાઓ તો કશું બોલતા નથી પરંતુ તેઓ પીડિતોને પણ અવાજ ઉઠાવવા દેતા નથી. પીડિતના એક પાડોશીએ કહ્યું હતું કે, લોકડાઉનના કારણે લોકો પહેલાંથી કટોકટીનો સામનો કરી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ તેમનામાં બેચેની વધારે છે. હવે લોકો પોલીસમાં વિશ્વાસ પણ ગુમાવી રહ્યા છે. સહારનપુર મ્યુનિ. કાઉન્સિલના પૂર્વ ચેરમેન ઈમરાન મસૂદે પોલીસની વર્તણૂંકને અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, લોકો જાણે કે ગુનેગારો હોય તેમ પોલીસ લાઠી-દંડાનો ઉપયોગ કરી રહી છે.
પોલીસની હિંસાથી કોરોના દૂર નહીં થાય : દેવબંદના રહેવાસીઓએ અત્યાચારોને વખોડી કાઢયા

Recent Comments