ગાંધીનગર, તા.૨૯
અમદાવાદના એરપોર્ટ ઉપર ફોન કરીને અમદાવાદ આવતી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપનારા કચ્છના ગાંધીધામના યુવકને અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીએ આવી ધમકી પોલીસને હેરાન કરવા માટે આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલવા પામ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ એરપોર્ટના એટીસી ટાવરના લેન્ડલાઈન ફોન ઉપર તા.૧૬ માર્ચના રોજ ફોન આવ્યો હતો કે, કોકાકોલા ટીનમાં બોમ્બ લઈને આવું છું તમે જોઈ લે જો. ઈન્ટેલિજન્સ રિપોર્ટ આવી ગઈ હશે હું સીરિયાથી વાત કરૂ છું. જે બોમ્બ ઈજિપ્તના પ્લેનમાં ઉપયોગમાં લેવાયો હતો. તેવો જ બોમ્બનો ઉપયોગ કરવાનો છું. આઈએસઆઈએસમાં મારા મિત્રો છે. તેમના મારફતે માહિતી મળે છે અને હું ઈન્ડિયાનો અંડરકવર એજન્ટ છું. આવો ફોન આવતા આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ કરતા ફોન કરનારો કચ્છના ગાંધીધામનો પ્રિતેશ ત્રિવેદી નામનો યુવાન હતો. ભંગાર અને મેડિકલ ટ્રેડિંગનું કામ કરતા પ્રિતેશ ત્રિવેદીની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેણે જસ્ટ ડાયલમાં ફોન કરી અમદાવાદ એરપોર્ટ એટીસી ટાવરનો નંબર લીધો હતો. ત્યારબાદ મોબાઈલમાં સ્કાઈપ નામની એપ્લિકેશન મારફતે ફોન કરીને એરપોર્ટ ઉપર ધમકી આપી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે યુ ટ્યુબ ઉપર એરક્રેશ ઈન્વેસ્ટિગેશન નામની વીડિયો જોવાની ટેવ હોવાના કારણે તેને એરપોર્ટ ઉપર આવો ફોન કરવાનો વિચાર આવ્યો હતો અને ગુજરાતની પોલીસ તેને શોધી શકે છે કે, નહીં તે જાણવા તેણે ફોન કર્યો હતો. તદ્‌ઉપરાંત આરોપી પ્રિતેશ ત્રિવેદીએ ગાંધીધામ-કચ્છ પૂર્વ પોલીસ કંટ્રોલ રૂમને વારંવાર ખોટા ફોન કરવાની ટેવવાળો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જો કે, એમ ફાર્મ સુધીનો અભ્યાસ કરેલો પ્રિતેશ ત્રિવેદી તેની ખોટી હરકતના લીધે આજે કાયદાના સકંજામાં ફસાઈ ગયો છે.