(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે પોલીસ સમક્ષ માગણી કરી હતી કે ધરપકડ કરાયેલ ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય આરિઝખાન બાટલા હાઉસ એન્કાઉન્ટરના સ્થળ પરથી કઈ રીતે ભાગી ગયો હતો.
દિલ્હી પોલીસે જાહેરાત કરી હતી કે આરિઝખાન ઉર્ફેે જુનૈદની ધરપકડ કરવામાં આવી છે. એ પછી ખુરશીદે પોલીસ સામે પ્રશ્ન કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરિઝનો સાથી આતીફ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો પણ આરિઝ ભાગી ગયો હતો.
ખુરશીદે જણાવ્યું કે આરિફની ધરપકડ એન્કાઉન્ટરના સ્થળેથી કરવી જોઈતી હતી. પોલીસે સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે તે વખતે એની ધરપકડ કેમ કરાઈ ન હતી, એમને ભાગવાની તક કેમ અપાઈ હતી. હવે એની ધરપકડ કરાઈ છે, પોલીસે ખુલાસો કરવો જોઈએ કે કઈ રીતે એ ભાગી ગયો હતો.
એમણે માગણી કરી હતી કે આરિફ સામે ટ્રાયલ ઝડપથી ચલાવવી જોઈએ. પોલીસની ફરજ છે કે જો કોઈ વ્યક્તિ ગુનામાં સંડોવાયેલ હોય તો એની ધરપકડ કરવી.
આ પહેલાં પોલીસે જણાવ્યું હતું કે આરિઝખાન ઉર્ફે જુનૈદના સંબંધો ઉત્તરપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ સાથે પણ છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આરિઝખાનની ધરપકડ ઈન્ડો-નેપાલ સીમા પર આવેલ બનવાસાથી કરી હતી.