(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૯
રામ નવમીનાં દિવસે થયેલા તોફાનો દરમિયાન પોલીસ કામગીરી કરવામાં મોડી પડી હોવાનું જણાતા પોલીસ બેડામાં તેની ગંભીર નોંધ લેવાઇ છે. જેનાં પગલે પોલીસ અધિકારીઓ અને તેમના નીચેનાં કર્મચારીઓને પોલીસ કમિશ્નરએ પરિપત્ર બહાર પાડી તેમના ઝોન અને ડિવીઝનમાં ફરજીયાત હાજરી આપી રાત્રે ૧ વાગ્યા સુધી હાજર રહેવા ફરમાન કર્યું છે.
ગત ૨૫મી માર્ચનાં રોજ ફતેપુરા કુંભારવાડાથી નિકળેલી રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક કટ્ટરવાદી તત્વો દ્વારા ઉશ્કેરણી બાદ તોફાનો ફાટી નિકળ્યા હતા. આ તોફાનો છેક યાકુતપુરા સુધી પ્રસરી ગયા હતા. દરમિયાન પોલીસને તોફાનો રોકવામાં ભારે તકલીફ પડી હતી. પોલીસ તોફાનો દરમિયાન કાચી પડી હોવાનું જણાઇ આવતા પોલીસ કમિશ્નર મનોજ શશીધરે પરિપત્ર બહાર પાડી પી.એસ.આઇ., પી.આઇ., એ.સી.પી. તથા ડિ.સી.પી. સહિતનાં અધિકારીઓને રાત્રે ૧ વાગ્યા સુધી તેમના વિસ્તારમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. પરિપત્રમાં પી.એસ.આઇ.ની હાજરી પોલીસ ઇન્સ્પેકટરે ચેક કરવી જ્યારે પોલીસ ઇન્સ્પેકટરની હાજરી એ.સી.પી.એ. ચેક કરી રાત્રે ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન દર કલાકે કંટ્રોલ રૂમમાં નોંધાવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પણ અધિકારીઓને રાત્રે ૧ વાગ્યા સુધી અચુક હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.