(એજન્સી) તા.૧૮
કાશ્મીરના સ્વતંત્ર ધારાસભ્ય એન્જિનિયર રશીદે શનિવારે મોદીની મુલાકાત દરમિયાન કાળા વાવટા ફરકાવવાની જાહેરાત કર્યા પછી ગુરૂવારે લોકોને અપીલ કરી હતી કે તેઓ પણ શનિવારે હડતાળ પાડે. શ્રીનગરમાં એક પત્રકાર પરિષદ સંબોધતા તેમણે પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસે હિંસાને ઉદ્યોગમાં ફેરવી નાંખ્યું છે. તેમણે કહ્યું હતું કે, નવી દિલ્હી યુદ્ધવિરામ જેવી નિખાલસતા દર્શાવે છે પરંતુ સુરક્ષા એજન્સીઓ ખાસ કરીને જમ્મુ-કાશ્મીર પોલીસ યુદ્ધવિરામ જેવા પગલાંને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડતી નથી કારણ કે હિંસામાં રહેલા તેમના હિતો ઉદ્યોગ બની ચૂકયા છે. તેમણે કહ્યું હતું કે, હંદવાડામાં બેશર્મ પોલીસ અધિકારીઓ તેના વરિષ્ઠ અધિકારીઓના આદેશથી યુદ્ધવિરામની પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી ચૂકયા છે. રશીદે કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ફરતા ડઝનબંધ વીડિયો આ વાતનો પુરાવો છે કે જમ્મુ-કાશ્મીર પોલીસમાં રહેલા કેટલાક દ્રષ્ટ લોકો સમગ્ર પોલીસદળને બદનામ કરે છે. તેમણે કહ્યું હતું કે ગણવેશમાં રહેલા લોકો ખાસ કરીને જમ્મુ-કાશ્મીર પોલીસને હત્યાકાંડ અને હિંસાથી સૌથી વધારે લાભ થાય છે. ઘણા બધા પોલીસ અધિકારીઓએ નિર્દોષ કાશ્મીરીઓ પાસેથી પૈસા લૂંટીને તેમજ નવી દિલ્હીને ધાક-ધમકી આપીને ઘણી સંપત્તિ એકત્ર કરી છે.