અમદાવાદ, તા.૧૬
રાજ્યના ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા ધાક ધમકી આપીને એક એફિડેવિટ ઉપર હસ્તાક્ષર કરાવ્યા હોવાની ભટ્ટ સામે ફરિયાદ કરનાર પોલીસ કોન્સ્ટેબલ કે.ડી.પંથે ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન કરીને તેને આપવામાં આવેલી સુરક્ષા પુનઃ બહાલ કરવાની માગણી કરી હતી. હાઇકોર્ટમાં જસ્ટીસ એસ. એચ. વોરા સમક્ષ તેની સુનાવણી કરવામાં આવતા તેઓએ પિટિશન બાબતે રાજ્ય સરકારને તેમનું વલણ સ્પષ્ટ કરવા માટે આદેશ કરીને વધુ સુનાવણી આગામી તા.૧૯ ઓગસ્ટના રોજ રાખી હતી.
કેસની વિગતો મુજબ પંથે હાઇકોર્ટમાં પિટિશન કરીને રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી તે હવે પછી ખેંચી લેવામાં આવી છે. તેઓ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યાંથી બદલી કરીને કોમી સંવેદનશીલ ગણાતા વિસ્તારોની હુકુમત ધરાવતા માધુપુરા પોલીસ મથકમાં કરી નાખવામાં આવી છે. અગાઉ પણ રાજ્ય સરકારે આમ કર્યું પરંતુ તેઓએ કરેલી રજૂઆત બાદ તેઓને પાછા રાણીપ પોલીસ સ્ટેશનમાં મૂકી દેવાયા હતા. પંથના વકીલના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૪-૧૫માં તેમને ધમકીઓ આપવામાં આવતી હતી અને એક વખત તેમના અપહરણની પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે રાણીપ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી અને તેમાં તપાસ બાદ પંથને ચોવીસ કલાક સુરક્ષા આપવાની ભલામણ કરાઈ હતી. આથી તેમને સુરક્ષા અપાઈ હતી પરંતુ ગત એપ્રિલ મહિનામાં તેમની સુરક્ષા કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર હટાવી દેવાઈ હતી. એથી તેમના જીવ પર જોખમ ઊભુ થયું છે.
ઉલ્લેખનિય છે કે, કે.ડી.પંથ વર્ષ ૨૦૦૨માં જ્યારે સંજીવ ભટ્ટ રાજ્યનાં ગુપ્તચર વિભાગમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ૨૦૦૨ના તોફાનો બાબતે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી એક અરજીની સુનાવણી દરમિયાન ભટ્ટે એક એફિડેવિટ દાખલ કરીને ચોંકાવનારી માહિતી ઉજાગર કરી હતી કે, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ સાબરમતી એકસપ્રેસ ટ્રેનમાં ૫૯ કારસેવકોની હત્યાના બનાવ બાદ તે દિવસે રાત્રે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ્થાને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. તેમાં તેઓ હાજર હતા અને મોદીએ કથિત રીતે સૂચના આપી હતી કે હિન્દુઓને મુસ્લિમો વિરૂદ્ધ ગુસ્સો કાઢવા દો. જો કે, આ બેઠકમાં હાજર બીજા ઉચ્ચ અધિકારીઓએ સુપ્રીમ કોર્ટના કોર્ટ મિત્ર સમક્ષ નિવેદન આપ્યું હતું કે ભટ્ટ આ બેઠકમાં હાજર નહોતા. પોતે હાજર હતા અને પંથ સરકારી કારના ડ્રાઈવર તરીકે તેમને એ બેઠકમાં લઈ ગયો હતો તે પુરવાર કરવા માટે ભટ્ટે પંથ પાસે વર્ષ ૨૦૧૧માં એક એફિડેવિટ તૈયાર કરાવડાવી હતી. ત્યારબાદ પંથ દ્વારા વર્ષ ૨૦૧૧માં સંજીવ ભટ્ટ સામે એક ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને તેમાં તેમને આક્ષેપ કર્યો હતો કે ભટ્ટે તેમને ધાક ધમકી આપી અને દબાણ કરીને એફિડેવિટ કરાવી હતી. ત્યારબાદ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.