અમદાવાદ, તા.ર૯
છેલ્લા ઘણા સમયથી અનેક પોલીસ કર્મી અને મોટાભાગે તો પોલીસ ઇન્સપેક્ટર અને પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. કેટલાક કિસ્સામાં આ અધિકારીઓનો વાંક બને છે કે કેમ તે જોયા વગર જ સસ્પેન્ડ કરી દેવાયા હોવાનો બળાપો પોલીસ કર્મીઓ પોકારી રહ્યા છે. ત્યારે હવે શિવાનંદ ઝાની નિવૃત્તિનો સમય આવતા જ એક લેટર પોલીસ કર્મીઓના ગૃપમાં અને સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં લેટર લખનારે અધિક મુખ્ય સચિવને ઉદ્દેશીને લખ્યું છે કે શિવાનંદ ઝાનો કાર્યકાળ પૂરો થતાં તેમને નિવૃત્ત કરી દેવામાં આવે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ૩૦મી એપ્રિલે નિવૃત્ત થઇ રહ્યા છે. બીજીતરફ તેમને એક્સટેન્શન આપવાની વાતે પણ જોર પકડ્યું હતું. ત્યારે હવે એક લેટર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના વોટ્‌સએપ ગ્રુપમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, આ લેટરની પુષ્ઠિ થઈ નથી. લેટર લખનારનું નામ ભાવનગરના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ બટુકલાલ એચ. ઠાકર હોવાનું આ લેટરમાં જણાયું છે. જ્યારે આ નિવૃત્ત હેડ કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહને આ લેટર લખ્યો હોવાની ચર્ચા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાનો કાર્યકાળ ૩૦-૪-૨૦૨૦ ના રોજ પૂર્ણ થાય છે. ડીજીપી તરીકે તેઓએ પોલીસ કોન્સ્ટેબલ થી પોલીસ ઇન્સપેક્ટર સુધીના ઉપર શિક્ષાનો કોરડો વિંઝ્યો છે. કડક શિક્ષાત્મક માનસ ધરાવે છે. પોલીસ ખાતામાં ઉકળતો ચરૂ છે. તેમનો સેવાકાળ લંબાવવામાં ન આવે, જેથી તેમના અનુગામીને બઢતી મળે તેવી ગુજરાત પોલીસ વતી નમ્ર અરજ છે. પોલીસ અનેક સમસ્યા અને તનાવભર્યા વાતાવરણમાં નોકરી કરે છે. ત્યારે ખાતાના વડાની હુંફ અને લાગણીની આશા રાખે છે. મારી આ અરજી અંગે યોગ્ય તપાસ કરી મને જાણ કરવા વિનંતી છે. – બટુકલાલ એચ ઠાકર (નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ) એમ વાયરલ થયેલા લેટરમાં જણાવાયું છે. આ પ્રકારનો લેટર હાલ ચર્ચાનો વિષય બન્યો છે.