(એજન્સી) લખનૌ, તા.૩૧
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજમાં થયેલ સાંપ્રદાયિક સંઘર્ષ માટે જવાબદાર લોકોને ચીમકી આપ્યાના એક દિવસ બાદ સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે જેથી હિંસા બાદ લોકોમાં વિશ્વાસ કાયમ રહી શકાય. અધિકારીઓ કોંગ્રેસના પ્રતિનિધિઓને કાસગંજ જિલ્લાની સરહદે આવેલ મીરહાચી વિસ્તારમાં જતાં અટકાવ્યા છે. તેમણે કાયદા અને વ્યવસ્થાનો હવાલો આપી કોંગ્રેસીઓને સંવેદનશીલ વિસ્તારોમાં જતા અટકાવ્યા હતા. કાસગંજના જિલ્લા અધિક્ષક, આર.પી.સિંઘે કોંગ્રેસના પ્રતિનિધિમંડળને પરવાનગી આપવાની ના પાડી છે કારણ કે તેમના મતે આ મુલાકાતથી વધારાની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. કાસગંજમાં ગણતંત્ર દિવસની મોટરસાયકલ રેલી બાદ ભડકેલી હિંસામાં ઓછામાં ઓછી ત્રણ દુકાનો, બે બસો અને કારને આગ ચાંપવામાં આવી હતી. આ મુદ્દે કુલ ૧૧૮ લોકોની ધરપકડ કરાઈ છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં જનજીવન સામાન્ય થયું છે પરંતુ મંગળવારે કેટલાક છૂટી-છવાયી હિંસાના બનાવો સામે આવ્યા હતા. કાસગંજ હિંસા મુદ્દે યોગી સરકારે કડક પગલાં લેવાનું વચન આપ્યું છે જ્યારે વિરોધ પક્ષોએ આ મુદ્દે સરકાર પર નિશાન સાધ્યું છે.