કોડીનાર, તા.૪
કોડીનાર-દીવ વચ્ચેની પોલીસ ચોકી બંધ થયા પછી દારૂના ધંધાર્થીને મોકળું મેદાન મળ્યું છે. કોડીનાર પંથકના દારૂના ધંધાર્થીઓ ધોળા દિવસે મોટર સાયકલ ઉપર દારૂ લાવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પીપળવા-ચીખલીના ખારા વચ્ચે મોટરસાયકલ ઉપર બે થેલા દારૂ લાવતા હોઈ તેને અટકાવતા આ બુટલેગરો પોલીસ ઉપર હુમલો કરી એક દારૂ ભરેલો થેલો પોલીસ ઉપર ઘા કરીને ભાગી છૂટ્યા હતા જ્યારે ઈજા પામેલ પોલીસમેનને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો.
કોડીનારના કુશ અરસીભાઈ કામળીયા તથા હિમાંશુ વાઢેળ નામના દારૂના ધંધાર્થી નંબર વગરનું મોટર સાયકલ લઈ દીવ દારૂ લેવા ગયાની પોલીસને માહિતી મળતા કોડીનાર પોલીસના પ્રવિણ નારણભાઈ તથા લોકરક્ષક દિનેશ કાનાભાઈ કોનનારના પીપળવા-ચીખલી રોડ ઉપર વોચ ગોઠવી ઊભા હતા. તે વખતે ઉપરોક્ત બંને શખ્સો નંબર વગરની મોટર સાયકલ લઈ વચ્ચે બે થેલા દારૂના ભરીને આવતા હતા ત્યારે પોલીસે તેને રોકી તલાશી લેતા આ બંને શખ્સો મોટર સાયકલ લઈ નાશવા ભાગેલા જેથી પોલીસ પણ તેની પાછળ પડતા બુટલેગર હિમાંશુએ પ્રવિણભાઈ ઉપર દારૂ ભરેલ થેલો ઘા કરતા પ્રવિણભાઈ પડી ગયેલ અને બુટલેગરો નાશી ગયેલ. ઈજા પામેલા પોલીસને અન્ય પોલીસ સરકારી ગાડી લઈ દવાખાને સારવાર માટે દાખલ કરેલ જ્યારે પોલીસે થેલાની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બનાવટની ૧પ બોટલ વિદેશી દારૂ મળી આવતા મુદ્દામાલ કબજે લઈ નાશી જનાર બંને શખ્સો સામે ધોરણસર ફરિયાદ દાખલ કરેલ છે.