(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.૧પ
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામની વિધવા અને અન્ય એક પરિવારને જમીન ફાળવણી મામલે રાજ્ય સરકાર દ્વારા કરાતા અન્યાયના વિરોધમાં પાટણ જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચાર્યા બાદ બે વ્યક્તિઓએ આજરોજ પોલીસ ફાયર ફાળટર અને આગ્ય વિભાગના સ્ટાફ એમ્બ્યુલન્સ તૈનાત હોવા છતાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક વ્યક્તિના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જ્યારે સામાજિક કાર્યકરે તો શરીર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતા ભડભડ સળગવા લાગ્યો હતો. તેને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ગંભીર ગણવાઈ રહી છે.
પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામના ખેતમજૂર વણકર હેમાભાઈ કાંતિભાઈ અને રામાભાઈ ચમારની સર્વે નં.૧૦રર વાળી જમીન આવેલી છે. આ જમીનમાં આ દલિત પરિવાર પોતાના બાપદાદા વખતથી ખેડાણ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. આજથી પાંત વર્ષ અગાઉ સર્વે નં.૧૦રર વાળી જમીનનું દબાણ નિયમિત કરવા માટે મહેસૂલ વિભાગ ગાંધીનગર વિભાગની છ શાખાઓ તેમજ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ફાઈવ કાસ્ટ યુથ ફાઉન્ડેશનના મંત્રી ભાનુપ્રસાદ જેઠાભાઈ વણકરે રાજ્ય સરકારને લેખિતમાં તમામ રજૂઆત કરી હતી અને નિયમિત દબાણથી દરખાસ્તો સરકારને મોકલી આપી હતી. જેનો હકારાત્મક અભિગમ પણ રજૂ કરાયો હતો તેમ છતાં આજદીન સુધી દલિત પરિવારના સભ્યોની જમીન બાબતની માગણી સ્વીકારવામાં આવી ન હતી. આમ અનુસૂચિત જાતિના ખેડૂતો સાથે સરકાર દ્વારા ભેદભાવની નીતિ રાખવામાં આવતા દુદખા ગામના દલિત સમાજના ખેતમજૂર વણકર હેમાબેન કાંતિભાઈ, રામાભાઈ ચમાર અને ફાઈવ સ્ટાર યુથ ફાઉન્ડેશન ઉઝાના મંત્રી ભાનુપ્રસાદ જેઠાલાલ વણકરે જિલ્લા કલેકટર કચેરી ખાતે કેરોસિન છાંટી આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને આજે સવારથી જ જિલ્લા કલેક્ટર કચેરીના કેમ્પસમાં પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, ફાયરબ્રિગેડ સહિતના અન્ય અધિકારીઓનો કાફલો તેનાત કરવામાં આવ્યો હતો. આત્મવિલોપન કરનાર અરજદારોએ બપોરના એક કલાકે કેરોસીન છાંટી સળગી મરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેને લઈ પાટણ એલસીબી, એસઓજી સહિતનો અન્ય પોલીસ કર્મચારીઓનો કાફલો કચેરીના તમામ ગેટો ઉપર તેનાત કરાતા સમગ્ર કચેરી કેમ્પસમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું ત્યારે તેમના સમર્થનમાં આવેલા લોકોને પોલીસ અધિકારીએ સમજાવવાની કોશિશ કરતાં પરિવારના મોભીએ કલેકટરને મળવાની વાટાઘાટ કરી હતી પરંતુ જિલ્લા કલેકટર હાજર ન હોઈ પોલીસે તેમને મળવા દેવાનું ટાળ્યું હતું… જેને લઈ કેમ્પસ ખાતે પોલીસ અધિકારી અને અન્ય સમર્થકો સાથે બોલાચાલી થવા પામી હતી. ત્યારબાદ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર રામાભાઈ વણકરે કચેરીના મુખ્ય દરવાજા નજીક કેરોસીન છાંટી આત્મહત્યાની કોશિશ કરવા જતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પોલીસે તેમને અટકાવી તેનેી પાસેથી બળ મરવાનો સામાન જપ્ત કરી લીધો હતો. પરંતુ જેના નેજા હેઠળ આ સમગ્ર જમીનની બાબત ચાલતી હતી તેવા નિવૃત્ત તલાટી અને ફાઉન્ડેશનના મંત્રી ભાનુપ્રસાદ વણકરે જિલ્લા પંચાયતના પાછળના ભાગેથી પોતાના શરસર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી પોલીસની નજર સામે જ કચેરીના કેમ્પસ ખાતે દોડી આવતા સમગ્ર કચેરીમાં કાળજું કંપાવી દે તેવું વાતાવરણ સર્જાયું હતું. તો તેમના સમર્થકોએ આ સરકાર દલિત વિરોધી છે તેવા સૂત્રોચ્ચાર પોકારી કીકીયારીઓ પાડતા જિલ્લા કલેકટર કચેરીના કેમ્પસમાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. જો કે અગ્નિસ્નાન કરેલા ભાનુપ્રસાદ કેમ્પસમાં દોડી આવતા આરોગ્ય વિભાગની ટીમ તેમજ ફાયર બ્રિગેડ દ્વારા સળગી રહેલા આ અરજદાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. તો અન્ય કર્મચારીઓએ આ સળગતા અરજદાર ઉપર ધાબળા તેમજ ફાયર સેફટી વડે આગની કાબૂમાં લીધી હતી. પરંતુ ભાનુપ્રસાદ ૮૦થી ૯૦ ટકા જેટલા શરીરે દાઝી જતા તઓને તાત્કાલિક સારવાર અર્થે ધારપુરની મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કેમ્પસ ખાતે આવેલા દુદખા ગામના અન્ય પરિવારજનોએ પોલીસ સામે પોતાનો રોષ વ્યક્ત કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભારે રકઝક થવા પામી હતી. તો કેમ્પસમાં વધુ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પરિવારના ૧૦થી વધુ લોકોની અટકાયત કરી ડીએસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

૭મી ફેબ્રુઆરીની અરજી સરકારે
હળવાશથી લેતાં આ ઘટના ઘટી

દુદખા ગામના દલિત અરજદારોએ રાજ્ય સરકાર અને પાટણના જિલ્લા કલેક્ટરને વારંવાર લેખિત રજૂઆતો કરી હતી. છ વર્ષથી વધુનો સમયગાળો વીતિ જવા છતાં કોઈ જ ન્યાય નહીં મળતા અન્યાયનો ભોગ બનેલા અરજદારોએ ગત તા.૭/ર/૧૮ના રોજ રાજ્યના મુખ્યમંત્રી અને પાટણ જિલ્લા કલેક્ટરને ન્યાય નહીં મળે તો તા.૧પ/ર/૧૮ના રોજ બપોરે ૧ કલાકે કલેક્ટર કચેરીમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી લેખિત અરજી આપી હતી. પરંતુ સરકાર, જિલ્લા કલેક્ટર અને પોલીસે આ અરજીને હળવાશથી લેતા આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ દુદખા ગામના મકવાણા રતીલાલે કરી જણાવ્યું હતું કે પોલીસે અમને જિલ્લા કલેક્ટર અથવા જવાબદાર અધિકારીઓને મળવા જવા દીધા નથી. અમે રજૂઆતનો આગ્રહ રાખતા પોલીસે અમારી પાસેથી બેનરો પડાવી લઈ કલેક્ટર કચેરીના મુખ્યગેટ બંધ કરી દીધો હતો.

ગંભીર રીતે દાઝી ગયેલા ભાનુભાઈને મહેસાણાથી અમદાવાદ ખસેડાયા

દલિત સમાજના જમીન વિહોણા લાભાર્થીઓને જમીન મળે તે માટેની લડત ચલાવી રહેલા ઊંઝાના દલિત આગેવાન ભાનુભાઈ વણકરે ગુરૂવારના રોજ બપોરના સુમારે પાટણ ખાતે કલેકટર કચેરીના કેમ્પસમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા ભાનુભાઈને સઘન સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત નાજૂક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ભાનુભાઈ જેઠાલાલ વણકર તલાટી તરીકે નિવૃત્ત થયા બાદ છેલ્લા કેટલાક સમયથી જમીન વિહોણા દલિત સમાજના ખેત મજૂરોને જમીન અપાવવા લડત ચલાવી રહ્યા હતા.

પાટણની ઘટના કલંકરૂપ મુખ્યમંત્રી રાજીનામું આપે

પાટણની ઘટના અંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રોષભેર જણાવ્યું હતું કે, તંત્રની બેદરકારીના કારણે ઊંઝા તાલુકાના સંનિષ્ઠ આંબેડકરવાદી ભાનુભાઈ વણકરે જમીનના એક ટુકડા માટે આજે પાટણ કલેક્ટર ઓફિસમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. હાલ તેમના જીવનું પૂરેપૂરૂ જોખમ રહેલું છે. આ વીડિયો સમગ્ર ગુજરાતમાં અને દેશમાં વાયરલ કરો. એક ગરીબ માણસ આ વ્યવસ્થામાં કઇ હદે ગૂંગળામણ અનુભવતો હોય છે. તેનો આ વરવો દાખલો છે. ભાનુભાઇએ આ પગલું ભરવું પડ્યુંં તે રૂપાણી સરકાર માટે કલંકરૂપ છે. સમગ્ર ગુજરાતના દલિતો આ મુદ્દે રોડ ઉપર ઉતરી આવે અને ઉનાકાંડ જેવા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી સખત જરૂર છે અને એવી મારી સમગ્ર ગુજરાતની જનતાને અપીલ છે. પાટણ કલેકટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેમને અગાઉ જાણ હોવા છતાં ભાનુભાઈને રોકી શક્યા નહીં જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.