અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો
ગુજરાતમાં સાત વર્ષમાં ૪૯ હજારથી વધુ પોેલીસ કર્મીઓની ભરતી કરાઈ

ગાંધીનગર, તા. ૨૨
ગુજરાત સરકારે કાયદાથી પ્રસ્થાપિત રાજ્યમાં લોકો શાંતિ-સલામતીનો અહેસાસ કરે એ માટે અમે પુરૂષાર્થના સામર્થ્ય થકી આગળ વધી રહ્યા છીએ. નાગરિકોની સલામતી અને સુરક્ષા એ જ અમારો નિર્ધાર છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને પુરૂષાર્થના પરિણામે આજે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો જોવા મળી રહ્યો છે. એમ ગૃમ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આજે ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ, બોર્ડર સિક્યુરીટી, સિવીલ ડિફેન્સ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી – આબકારી, બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ-ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તમામ ધારાસભ્યોના કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે કરાયેલા સૂચનોને આવકારતા કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષાને વધુ સંગીન બનાવવા માટે આપે કરેલા સૂચનોનો હકારાત્મક અભિગમ થકી સત્વરે અમલ કરવામાં આવશે. કોરોનાના કાળમાં લોકડાઉન દરમ્યાન કોરોનાના સંક્રમણને અટકાવવા સારૂ વિકિટ પરિસ્થિતિમાં પણ પોલીસ કર્મીઓએ માનવીય અભિગમ દાખવીને લોકડાઉનના અમલીકરણનું જે કામ ઉપાડી લીધુ હતું તેના પરિણામે પોલીસની પરંપરાગત છબી અલગ રીતે ઉજાગર થઇ છે. લોકડાઉનના આ કાળ દરમ્યાન એન.આર.જી. વિભાગ દ્વારા પણ વિદેશમાં વસતા ૫૫,૦૦૦થી વધુ ગુજરાતીઓને વંદે ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકારની મદદથી ગુજરાત પરત લાવવાની શ્રેષ્ઠ કામગીરી કરાઇ છે. એ જ રીતે આંતર રાજ્યના લાખો શ્રમિકોને પણ તેમના માદરે વતન મોકલવાની કામગીરી રાજ્ય સરકારે કરી છે. એ જ રીતે રાજ્યની સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સક્રિય રીતે સહયોગ આવ્યો છે. મંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ, પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે. છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં ૪૯,૦૦૦થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે. અને આગામી વર્ષે વધુ ૧૩,૦૦૦ કર્મીઓની ભરતી કરાશે. પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.