ભાજપના કાર્યકર્તાઓને કૂચ કરતા રોકવા પોલીસે બેરીકેડ વધાર્યા હતા. તેઓ તાત્કાલિક પુલ ફરીથી ખોલવાની માંગ કરી રહ્યા હતા, જેનો એક ભાગ ૪ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ તૂટી પડ્યો હતો. જેમાં બે વ્યક્તિનાં મૃત્યુ થયા હતા. તેને તોડી પાડવામાં આવ્યો હતો અને એક નવો કેબલ સ્ટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે આવતા મહિનાની શરૂઆતમાં લોકો માટે ખુલ્લો મૂકવાની ધારણા છે.
દરમિયાન, પ્રદર્શનકારીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભગવા પક્ષના કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીના મુખ્ય કન્વીનર કૈલાસ વિજયવર્ગીયને પણ ટૂંકા ગાળા માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રેલવેને મજેરહાટ બ્રિજના પુનઃનિર્માણની કામગીરી ધીમી કરવા માટે દોષી ઠેરવી છે અને આક્ષેપ કર્યો છે કે વિભાગે મંજૂરી માટે નવ મહિનાનો વિલંબ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલય, નબન્ના ખાતે પત્રકારોને સંબોધતા, બેનરજીએ કહ્યું, “નવ મહિનાથી રેલવેએ મંજૂરી ન આપી ત્યારે, ભાજપ પક્ષ, તમે શું સૂતા હતા ? નવ મહિના સુધી અમે તેમની સાથે વારંવાર બેઠક યોજી, મંજૂરીની વિનંતી કરી.’’
તેમણે ઉમેર્યું, “યાદ રાખો, પુલ હજી પૂર્ણ થયો નથી. લાગે છે કે તે પૂર્ણ થઈ ગયું છે. ફક્ત પીડબ્લ્યુડી દ્વારા કરવામાં આવેલ કામ પૂર્ણ છે. હજી પણ કેટલાક તકનીકી મુદ્દા છે કે જેને રેલવે દ્વારા તેમની ૧૦૦ ટકા મંજૂરી આપતા પહેલા ઉકેલવાની જરૂર છે. જે હજી ૭-૮ દિવસ લેશે. રેલવે ટ્રેક બ્રિજની નીચેથી પસાર થતો હોવાથી અમારે રેલવેની પરવાનગી લેવી પડશે.”
ટીએમસી સુપ્રીમોએ આમાં રાજકારણ લાવવા માટે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે હિંદુત્વ બળોના કારણે પુલ ફરીથી ખોલવામાં મોડું થયું છે. ભૂતપૂર્વ રેલવે પ્રધાન બેનરજીએ જણાવ્યું હતું કે, “આપણા કારણે નહી, વિલંબ કેન્દ્ર સરકારના કારણે થયો છે. આ ભાજપના રાજકારણના કારણે છે. એક વર્ષ પહેલાં જ આ બ્રિજ બની ગયો હોત. તેઓએ લોકોને પરેશાન કર્યા છે.”
તેમણે આગળ ઉમેર્યું, “બેહાલાના લોકોને શીખવવાનું કંઈ નથી. હું બેહાલામાં મેટ્રો લાવી. અમે મજેરહાટ બ્રિજ બનાવી રહ્યા છીએ. મેં બેહાલામાં એક સ્ટેડિયમનું નામ સત્યજીત રે રાખ્યું છે. બેહાલામાં તમામ પ્રકારના વિકાસના કામો મારા દ્વારા કરવામાં આવ્યા છે.”