અમદાવાદના જમાલપુરમાં પોલીસની દાદાગીરીના વિરોધમાં પોલીસ કમિશનરને રજૂઆત અને વિરોધ પ્રદર્શન

જમાલપુર દરવાજા પાસે લોકડાઉન દરમ્યાન પોલીસની દાદાગીરીના અસંખ્ય કિસ્સા બહાર આવ્યા હતા ગુનેગારોને દંડ કરવામાં આવે તેમાં વાંધો નહીં પરંતુ આડેધડ લાઠીઓ વીંઝવી, ગાળો બોલવી, નાની અમથી વાતમાં ઉશ્કેરાઈ જવું જેવી ઘટનાઓ અંગે અસંખ્ય બુમો ઉઠી હતી. તેમાંય રવિવારે એક યુવાનને માસ્ક નહીં પહેર્યું હોવાનું જાણી છુટ્ટો દંડો મારતા પટકાઈ ગયેલા જુનેદખાન નામના યુવાનને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ઘટના અંગે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, મ્યુનિસિપલ કાઉન્સિલર અઝરા કાદરી તથા પ્રદેશમંત્રી જુનેદ શેખ દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાને જવાબદાર પોલીસ સામે ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવા માગણી કરી છે. ઉપરાંત આ ઘટનાના વિરોધમાં મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખ અને એનએસયુઆઈ દ્વારા જમાલપુર દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા શાહનવાઝ શેખ સહિત ૬ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ, તા.૧૩
શહેરના જમાલપુર દરવાજા પાસે રવિવારે પોલીસ દ્વારા એક્ટિવા પર પસાર થતા એક યુવાનને માસ્ક ન પહેર્યું હોવાના ગુનામાં મોઢા પર દંડો મારતા યુવાન ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આ ઘટનામાં જવાબદાર પોલીસ વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવા અને તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી સસ્પેન્ડ કરવાની માગ સાથે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયાને રજૂઆત કરતાં મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે, જમાલપુર દરવાજા નજીકથી એક્ટિવા પર પસાર થતા યુવાને માસ્ક નહીં પહેેર્યું જણાતા તેને રોકવા પોલીસે મોઢા અને આંખના ભાગે મારતા યુવાન એક્ટિવા સાથે ડીવાઈડર સાથે ટકરાતા બેભાન થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા લોકો ટોળે વળ્યા હતા. યુવકના સગાઓએ આવી પ્રથમ એસવીપીમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ ત્યાં હોસ્પિટલ સત્તાવાળાઓએ દાખલ કરવાની ના પાડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેની હાલત નાજુક હોવાનું માલૂમ પડેલ છે. યુવાને માસ્ક પહેરેલું હતું છતાં જો તેણે માસ્ક ન પહેર્યું હોત તો તેણે કોઈ મોટા ગુનેગાર કે આતંકવાદી જેવો ગુનો નહોતો કર્યો કે, મોઢાના ભાગે દંડો મારવાની પોલીસને જરૂર પડે ? પોલીસનું આવું કૃત્ય કોઈ કાળે ચલાવી લેવાય નહીં. આ અંગે રજૂઆત કરતાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા ઈમરાન ખેડાવાલાએ પોલીસ કમિશનરને કહ્યું હતું કે, પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી જવાબદાર પોલીસ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસની ભૂલને લીધે એક યુવાન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પોલીસ કમિશનરની કચેરી ખાતે રજૂઆત કરવા માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, મ્યુનિ. કાઉન્સિલર અઝરા કાદરી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન જુનેદ શેખ ઉપસ્થિત રહ્યા હતા.