ગાંધીનગર,તા.૯
ગુજરાતનો રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ આગામી ઓક્ટોબર-૨૦૧૮માં પોલેન્ડની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની શતાબ્દી ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહ આયોજક તરીકે જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ અંગેના એમઓયુ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ સચિવ વી પી પટેલ અને પોલેન્ડના ભારતસ્થિત રાજદુત અડમ બુરાકોવસ્કી વચ્ચે સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પોલેન્ડના ભારત સ્થિત રાજદુત એડમ બુરાકોવસ્કીએ તેમની તાજેતરની મુલાકાત દરમિયાન આ માટે પ્રદર્શિત કરેલી ઈચ્છાનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ વિભાગને સહ આયોજક તરીકે જોડાવા પોલેન્ડ સાથે સમજૂતિ કરાર કરવાની અનુમતિ આપી હતી. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક હજારથી વધુ અનાથ બાળકો અને મહિલાઓ એવા પોલિશ નિરાશ્રીતોને નવાનગરના મહારાજા દિગ્વીજયસિંહ જામ સાહેબે બાલાછડી ખાતે તેમના મહેલમાં આશ્રય આપેલો અને તેમનું રક્ષણ કર્યું હતું. આ સંબંધોને સાંસ્કૃતિક, ઐતિહાસિક વારસાના પરિપ્રેક્ષ્યમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે પોલેન્ડની સ્વતંત્રતાની શતાબ્દી અવસેર દિલ્હી અને વિશ્વના અન્ય ભાગોમાં ઊજાગર કરવામાં આવશે. જનરેશન ટૂ જનરેશનના વિષયવસ્તુ સાથે આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરાશે.