(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨૮
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસુ સંતોષકારક રહ્યું છે, પરંતુ સપ્ટેમ્બરના અંત સુધી સતત વરસાદ ચાલુ રહેવાને કારણે ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે, ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં મેઘરાજાએ સમગ્ર સાબરકાંઠા જિલ્લાને ઘમરોળી દીધુ હોય તેમ હિંમતનગર સહિત પોશીના, વિજયનગર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને કારણે રવિવારથી શરૂ થતી નવરાત્રીમાં મેઘરાજા વિક્ષેપ ઊભો કરે તેવી શક્યતા જણાઈ રહી છે. દરમિયાન પોશિના પંથકમાં અંદાજે ત્રણ ઈંચ, વિજયનગરમાં દોઢ અને ખેડબ્રહ્મા પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા કપાસ સહિતના અન્ય પાકો નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતાતૂર બની ગયા છે. ડિઝાસ્ટર વિભાગમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા ર૪ કલાક દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલ્ટાના પરિણામે પોશિના પંથકમાં શનિવારે સવાર સુધીમાં અંદાજે ૭૬ મીમી વરસાદ પડતાં તાલુકાના મોટા તળાવો અને વાંઘાઓમાં નવા નીર આવ્યા હતા. વિજયનગર અને આસપાસના વિસ્તારોમાં અંદાજે ર૯ મીમી વરસાદ પડતા આ વિસ્તારના ડુંગરો પર લીલોતરી પથરાઈ જતા વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે. સાથોસાથ શનિવારે ખેડબ્રહ્મા અને ઈડર, વડાલી, પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં સવારે સારો વરસાદ પડ્યો હતો. ડિઝાસ્ટર વિભાગનું કહેવું છે કે, ખેડબ્રહ્મા પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. દરમિયાન હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં પણ અડધા ઈંચથી વધુ વરસાદ થયો છે. જો કે, શનિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હોવાને કારણે વરસાદી માહોલ યથાવત્‌ રહ્યો છે. ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં શુક્રવારે રાત્રે પડેલા ભારે વરસાદ બાદ ઈડર તાલુકાના મુડેટી પાસેની ભેસ્કા નદી બે કાંઠે વહેતા આસપાસના ગામોના લોકોને મુડેટી પાસેના બેઠાપૂલ પરથી અવર-જવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી હતી, તો બીજી તરફ શનિવારે વરસાદી માહોલ બાદ સવારે છથી બપોરે બે વાગ્યા સુધીમાં વડાલીમાં ૪૧ મીમી, ઈડરમાં ૪૬ મીમી તથા વિજયનગરમાં ૭ અને હિંમતનગરમાં ૧ મીમીથી વધુ વરસાદ, જ્યારે પ્રાંતિજમાં ૧૪ મીમીથી વધુ વરસાદ પડ્યો હતો.