(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૬
શહેરી આવાસ બાબતોના સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં એક નવા મોડેલ ટેનન્સી કાયદાને રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય રીયલ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને ભાડાના ઘરો માટે પ્રોત્સાહન આપવાની યોજના છે. મંત્રાલયે જુલાઈ ૨૦૧૯માં મોડેલ ટેનન્સી કાયદાનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો.
એમણે કહ્યું કે પોષણક્ષમ આવાસ યોજના ખાસ કરીને સ્થળાંતર કરતા લોકો માટે છે જે થોડા મહિનાઓ પહેલા રજૂ કરાઈ હતી, આ યોજના પ્રગતિ પર છે અને શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં થતા વધારાને દૂર કરવામાં મદદ કરશે.
મિશ્રાએ કહ્યું કે કોરોના દરમિયાન અનલોકની પ્રક્રિયા દરમિયાન ઘરોના વેચાણોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા લેવાયેલ અમુક પગલાંઓના લીધે વૃદ્ધિ જોવાઈ છે. એમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોએ મિલકતોની નોંધણી માટે સ્ટેમ્પ ડ્યુટીમાં કરેલ ઘટાડાથી વેચાણોને વેગ મળ્યો છે.
મિશ્રાએ કહ્યું કે મોડેલ ટેનન્સી કાયદો તૈયાર થઇ ગયો છે, એ જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરાયો છે કારણ કે એની દુરગામી અસરો થવાની છે. આ કાયદા બાબતે પ્રતિક્રિયાઓ મેળવવાની આખર તારીખ ૩૧મી ઓક્ટોબર હતી અને હવે રાજ્યોને પોતાના અભિપ્રાયો જણાવવા કહેવામાં આવ્યું છે.
એમણે કહ્યું કે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧.૧ ઘરો ખાલી પડ્યા છે કારણ કે લોકોને મકાન ભાડે આપતા બીક થાય છે કે મકાન ખાલી થશે કે નહિ. નવો કાયદો આ ખામીઓને દૂર કરશે અને રીયલ સેક્ટરને પ્રોત્સાહન આપશે.
નવા કાયદાની જોગવાઈઓ મુજબ મકાન માલિકોએ ભાડુઆતોને ત્રણ મહિના આગાઉ મકાન ખાલી કરવા અથવા ભાડું વધારવા લેખિત નોટિસ આપશે. કાયદામાં ભલામણ કરાઈ છે કે ડિસ્ટ્રીક્ટ કલેકટરની નિમણુંક રેન્ટ ઓથોરિટી તરીકે કરવામાં આવે અને જે ભાડુઆતો કરાર કરતા વધુ સમય માટે રહે એમની ઉપર ભારે દંડ નાંખવામાં આવે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઝૂંપડપટ્ટીનો અંત લાવવાનો છે કારણ કે હવે કોઈને પણ ઝૂંપડાઓમાં રહેવાનું ગમતું નથી.
Recent Comments