(એજન્સી) તા.૨
શુક્રવારે રિલીઝ થયેલ થપ્પડ જેવી ફિલ્મ શા માટે બનાવી એવા પ્રશ્નનો જવાબ તેના ડાયરેક્ટ અનુભવ સિંહા પાસે નથી. આ ફિલ્મનો મહત્વનો સંદેશ એ છે કે પ્રેમ અને આદર એક સાથે હોય છે. તેમણે મુલ્ક જેવી ધાર્મિક અને માનવ એખલાસ પર કઇ રીતે ફિલ્મ બનાવી તેનો પણ જવાબ તેમની પાસે નથી.
તેમણે ફિલ્મ આર્ટીકલ-૧૫ બનાવી ત્યારે તેમણે લોકો, પોલીસ અને રાજનીતિના સંદર્ભમાં જ્ઞાતિના મુદ્દા પર શા માટે ધ્યાન કેન્દ્રીત કર્યુ ? તેનો કોઇ ખુલાસો તેેમની પાસે નથી. તાલીમે એન્જિનિયર અને હૃદયથી માનવતાવાદી એવા અનુભવ સિંહાએ રાણા સિદ્દીકી જમન સાથેની એક મુલાકાતમાં પોતાના મહિલા પાત્રો, કલા અને રાજનીતિ તેમજ પ્રેમ અને રોમાંસના તેમના વિચાર પર વાતચીત કરી હતી જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.
અનુભવ સિંહાએ પોતાની વાતચીતમાં મુખ્ય સંદેશ એ આપ્યો છે કે હંમેશા પ્રેમને ફેલાવો કારણ કે નફરત કે તિરસ્કારથી ક્યારેય કોઇ સ્થિતિમાં સુધારો થતો નથી. ફિલ્મ થપ્પડ અંગે વાત કરતાં અનુભવ સિંહા કહે છે કે આ ફિલ્મ ઘરેલુ હિંસા કરતા સંબંધો અંગે સવિશેષ છે. અત્રે નોંધનીય છે કે તેમની ફિલ્મો તે પછી થપ્પડ હોય, મુલ્ક હોય કે તુમ બિન હોય પરંતુ દરેક ફિલ્મમાં મહિલા એક મજબૂત સંદેશ આપે છે.
અનુભવ સિંહાએ આ અંગે વાત કરતાં કહ્યું કે મને પણ હંમેશા એવી અનુભૂતિ થઇ છે કે મહિલાઓ વધુ પ્રામાણિક હોય છે અને સંદેશાવાહક તરીકે કાર્યક્ષમ ભૂમિકા ભજવી શકે છે. તે કહે છે કે મહિલા અને પુરુષ સમાન છે. મહિલાને હું ક્યારેય રમકડાં તરીકે જોતો નથી. કલા અને રાજનીતિ વચ્ચેના સંબંધો અંગે વાત કરતાં અનુભવ સિંહાનું માનવું છે કે જ્યારે કલાકારોને એવું લાગે છે કે કલામાં રાજનીતિ હોવી જોઇએ નહીં ત્યારે પણ રાજનીતિ હોય છે. રાજનીતિમાં કલા અને કલામાં રાજનીતિ હોવી જોઇએ. આર્ટમે પોલિટીક્સ હોતી હી હૈ. જેમ કે થપ્પડમાં લૈંગિક રાજનીતિ છે. આર્ટીકલ ૧૫માં સામાજિક રાજનીતિ છે. પરંતુ તેને ચૂંટણીય રાજનીતિ સાથે ખપાવવી જોઇએ નહીં.
અનુભવ સિંહાએ પણ સીએએ-એનઆરસી-એનપીઆરનો વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓ પર હિંસાનો પણ તેમણે વિરોધ કર્યો છે. તેમના માટે આ પ્રકારની કટોકટી માટે પ્રેમ સિવાય કોઇ ઉકેલ નથી. તેમણે જણાવ્યું હતું કે ‘પ્યાર કરો જૈસે પહલે કરતે થે, ક્યુકી નફરતસે તો કુછ આગે નહીં બઢ રહા’. પ્યાર હંમેશા સંક્રમિત હોય છે બડી જલ્દી ફૈલ જાતા હૈ.