(સંવાદદાતા દ્વાર)
હિંમતનગર, તા.૪
પ્રતિવર્ષ ૫મી સપ્ટેમ્બરે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસે દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરષ્કાર (રાષ્ટ્રપતિ એવોર્ડ)થી સન્માનિત કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની કંજેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પ્રકાશચંદ્ર સુથારની આ એવોર્ડ એનાયત કરવામા આવશે. કોરોના મહામારીને કારણે આ એવોર્ડ સમારોહ વેબિનારના માધ્યમથી યોજાશે જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દેશના અન્ય ૪૬ શિક્ષકોને સન્માનિત કરશે.
પ્રકાશચંદ્ર સુથાર વડાલી તાલુકાના એવા પ્રથમ શિક્ષક અને વતની છે, જેમને શિક્ષણક્ષેત્રનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા આજે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી સાબરકાંઠા જિલ્લાનું નામ રાષ્ટ્રીયકક્ષાએ ઝળકાવ્યું છે. તેમણે અમરેલી જિલ્લાના છેવાડાના જાફરાબાદની ટીંબીકન્યા શાળાથી શિક્ષણક્ષેત્રે પદાર્પણ કરી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની કેશરગંજ, ચુલ્લા અને કંજેલી જેવા નાનકડા ગામની શાળાઓને ગૌરવવંતી બનાવવા માટેના પ્રયાસો કર્યા છે તેમના આ પ્રયત્નોએ સરકારી શાળા માટેની લોકોની ઉદાસીનતા દૂર કરવાનું કાર્ય કર્યું છે. તેઓને વિજ્ઞાન વિષય કાર્યને આઈઆઈએમ અમદાવાદ દ્વારા “સર રતન ટાટા ઈનોવેટીવ ટીચર એવોર્ડ”થી પ્રમાણિત અને સન્માનિત કરાયા છે. આ સિવાય ચિત્રકૂટ એવોર્ડ, પ્રો.પી.એ.પંડ્યા બેસ્ટ સાયન્સ ટીચર એવોર્ડ, બેસ્ટ પ્રેક્ટિસીસ ટીચર, ‘ગુરૂ ગૌરવ એવોર્ડ’ અને ૨૦૧૮નો શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક મેળવી નામના મેળવ્યા બાદ આજે રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઈ પ્રકાશચંદ્ર ભાઈએ જિલ્લાનુ નામ રોશન કર્યું છે.