વાપી, તા.૯
વલસાડ જિલ્લાના વાપીના ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ખાસ કરીને દેશભરમાં વસેલા ઘાંચી સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ગફુરભાઈ બિલખિયાનું આદર્શ ગાંધીવાદી સમાજ સેવા તથા ઉદ્યોગક્ષેત્રે અનેરી પ્રગતિને તથા સમાજ સુધારાના કાર્યોને નજર સમક્ષ રાખીને ભારત સરકાર દ્વારા સર્વોચ્ચ એવા પદ્મશ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે.
ગુજરાત ઘાંચી સમાજના ખૂબ જ નાના પાયેથી શરૂ કરી ઉદ્યોગપતિની સફળ યાત્રાના માલિક અને જેને મુસ્લિમ ઘાંચી સમાજના સફળ ઉદ્યોગપતિ કહી શકાય તથા વાપીના વલસાડ જિલ્લાનાં “ગાંધી” કે જેમણે વાપીને પોતાનું વતન બનાવી શિક્ષણ ક્ષેત્રે એક મહાઅભિયાન ચલાવવા “મા ફાઉન્ડેશન” જેવી શિક્ષણની સંસ્થાની સ્થાપના કરી હતી જેમનાં દ્વારા હિન્દુ મુસ્લિમોનાં ગરીબ મધ્યમ વર્ગના હોનહાર વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને શિક્ષણ ક્ષેત્રે ઝળકાવી આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવન જીવવા ડોકટરો, વકીલો, એન્જિનિયર બનવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ગફુરભાઈ બિલખિયા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા ગામના વતની છે તથા વર્તમાનમાં વલસાડ જિલ્લામાં વાપી શહેરમાં રહે છે. ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ, ગાંધીવાદી.. સમાજસુધારક, દાનવીર એવા ગફુરભાઈ બિલખિયાને એમના આદર્શ ગાંધીવાદી સમાજ સેવા તથા ઉદ્યોગ ક્ષેત્રે અનેરી પ્રગતિને તથા કાર્યોને નજર સમક્ષ રાખીને ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ એવા પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મશ્રી એવોર્ડની ગફુરભાઇ બિલખિયાના નામની જાહેરાત થતાં જ વાપી શહેર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તથા મુંબઈ, મહારાષ્ટ્ર પરભની જિલ્લા, હૈદરાબાદ, સુરત, સેલવાસ, દાદરા નગરહવેલી તથા ભારતભરમાં ધંધાર્થે વસેલાં ઘાંચી સમાજની અંદર એક ખુશીની લહેર દોડી ગઈ છે. આ પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાં વાપી હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી, નાશીર પાનવાલા, અકલીમુનનીશા ખાન, આસીફ ઘાંચી, સલમાન ચૌહાણ, અસ્લમ મેતર, જીલુબેન મન્સુરી, મુફ્તી જીયા, અજીજ શેખ તથા વાપી શહેર ઘાંચી સમાજનાં પ્રમુખ ફારૂક સોલંકી, ઈકબાલ અગવાન સહિત અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ તથા અભિનંદન આપવામાં આવ્યા છે.