(એજન્સી) રિયાધ,તા.૧૦
સઉદીના સત્તાવાળાઓએ અમેરિકન વહીવટી તંત્રની વિંનંતીની અવગણના કરી પ્રખ્યાત સઉદી અમેરિકન ડોક્ટરને ૬ વર્ષની સજા ફટકારી છે. એમની ઉપર ગેરકાયદેસર અમેરિકન નાગરિકતા મેળવવાના આક્ષેપો સમેત અન્ય આક્ષેપો પણ છે. વાલિદ ફીતૈહીએ જોર્જ વોશિંગ્ટન અને હાવર્ડ યુનિ.ઓમાંથી શિક્ષણ મેળવ્યું છે અને સઉદીમાં ખાનગી હોસ્પિટલના સ્થાપક તરીકે પ્રખ્યાત છે. એમની સામે રાજકીય પ્રેરિત આક્ષેપો મૂકાયા હોવાનું માનવામાં આવે છે. જેમાં સઉદીની પરવાનગી વિના અમેરિકાની નાગરિકતા મેળવવા પણ સામેલ છે. એક પ્રેરણાદાયી વક્તા અને ટી.વી. હોસ્ટ તરીકે જાણીતા ફીતૈહીના સોશિયલ મીડિયામાં એમના લાખો ફોલોઅર્સ છે. રિયાધ એમને દેશ માટે જોખમ માને છે. ગયા વર્ષે એમણે ટી.વી.માં આપેલ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સઉદી આરબ માટે એમની લોકપ્રિયતા પણ એમને લક્ષ્ય બનાવવાનું એક કારણ છે. તેઓ મને પૂછે છે કે તમારા આટલા બધા ફોલોઅર્સ કેમ છે ? ફીતૈહીની ધરપકડ સૌથી પહેલા નવેમ્બર ૨૦૧૭ના વર્ષમાં કરાઈ હતી. જયારે રીટ્‌ઝ કાર્લટન અભિયાન હેઠળ સઉદીમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ અને સઉદી ધનિકોની ધરપકડો કરવામાં આવી હતી. જોકે એ પછી ગયા વર્ષે ટ્રાયલ બાકી હોવા છતાંય હંગામી તરીકે એમને મુક્ત કરવામાં આવ્યા હતા, પણ એમની અને એમના પરિવાર ઉપર પ્રવાસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સઉદીની સરકારે એમની ઉપર મુસ્લિમ બ્રધરહુડ સાથે સહાનુભુતિ હોવાના અને ઈજીપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસીની જાહેરમાં આલોચના કરવાના પણ આક્ષેપો મૂક્યા હતા, જેના પુરાવા માટે ફક્ત થોડા ટ્‌વીટો રજૂ કર્યા હતા. ૨૧ મહિનાના જેલવાસ દરમિયાન એમને શારીરિક અને માનસિક ત્રાસ અપાયો હોવાની માહિતી મળી છે. અમેરિકાના સાંસદોએ એમની મુક્તિની માંગણી સઉદી સમક્ષ કરી હતી. અમેરિકાના સચિવ માઈક પોમ્પિયોએ પણ સઉદી સરકારને ફીતૈહીને મુક્ત કરવા માંગણી કરી હતી.