(એજન્સી) તા.ર૯
સમય અને પરિસ્થિતિઓ લોકોને કયાંથી કયાં પહોંચાડી દે છે. એનો તાજેતરનો દાખલો બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે, સુજાતા જેવી ટીવી સિરિયલોના નિર્દેશક રહી ચુકેલા રામવૃક્ષ ગૌડ છે. સમાચાર માહિતી અનુસાર, માયાનગરી મુંબઈમાં બે દાયકા સુધી સખ્ત મહેનત કર્યા પછી પોતાની ઓળખ ઉભી કરવાવાળા રામવૃક્ષ હવે આઝમગઢમાં શાકભાજી વેચવા મજબૂર થઈ ગયા છે. તેમની કહાણી પણ કોઈ ફિલ્મ સ્ક્રિપ્ટથી જુદી નથી. માર્ચ મહિનામાં પોતાના પરિવાર સાથે તેઓ ગામે આવ્યા હતા. ગામે પાછા આવવાનો હેતુ એક ફિલ્મની શૂટીંગની યોજના ઉપર કામ કરવુ હતું, પરંતુ આજ દરમ્યાન કોરોનાને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ થયું અને ફિલ્મ પ્રોજેકટ ઉપર ગ્રહણ લાગી ગયું. પૈસાની અછતના કારણે નિર્માતાએ પ્રોજેકટને એક વર્ષ માટે મુલતવી રાખ્યો કોઈ કામ ન મળવાના કારણે તેમને આર્થિક અછતનો સામનો કરવો પડયો અને પરિવારની આજીવિકા માટે મજબૂર થઈ શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું રામવૃક્ષના પિતા પણ શાકભાજી વેચવાના બિઝનેસ સાથે જોડાયેલા હતા અને બાળપણમાં તેઓ તેમના પિતાની મદદ કરતા હતા. તેથી આર્થિક અછતનો સામનો કરવા માટે શાકભાજી વેચવું તેમને સૌથી લાભદાયક લાગ્યું. લગભગ ૧૮ વર્ષ પહેલા રામવૃક્ષ વધુ સારૂ જીવન જીવવાની શોધમાં પોતાના ગામ આઝમગઢથી મુંબઈ પોતાના મિત્ર સાથે ગયા હતા. પણ આજે ફરીથી તેઓ શાકભાજી વેચવા પર મજબૂર થઈ ગયા છે. ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરવા માટે લાઈટ વિભાગમાં કામ કર્યું. પછી ટીવી પ્રોડકશનમાં કામ કર્યું, પછી નિર્દેશનમાં પોતાનો હાથ અજમાવ્યો અને તેમાં પોતાને સ્થાપિત કરી લીધું અને તે પછી ઘણી પ્રખ્યાત સીરિયલોનું નિર્દેશન કર્યું.