(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દિલ્હી વિધાનસભા ચૂંટણીઓની મંગળવારે શરૂ થયેલી મતગણતરી સાથે જ પ્રાથમિક સંકેતોમાં જ આમ આદમી પાર્ટીએ મોટા વિજય તરફ જવાના સંકેત આપ્યા હતા. ત્યારે આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે જણાવ્યું હતું કે, દિલ્હીના પ્રચંડ જનાદેશથી સંદેશ મળ્યો છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આતંકવાદી નથી પણ પાક્કા દેશભક્ત છે. સિંહે જણાવ્યું હતું કે, કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, નફરતની રાજનીતિએ કામ કર્યું નથી. આ ચૂંટણી કેજરીવાલ વિરૂદ્ધ તમામની હતી. તેઓએ અમારી સામે તમામ અજમાયશો કરી હતી. તેમણે કેજરીવાલને આતંકવાદી પણ કહી દીધા પરંતુ દિલ્હીના લોકોએ દેખાડી દીધું કે, કેજરીવાલ તેમનો દિકરો છે અને પ્રચંડ બહુમતી આપી છે. ભાજપના સાંસદ પરવેશ વર્માએ એક ચૂંટણી રેલીમાં દિલ્હીના શાહીનબાગ વિરોધ પ્રદર્શન સ્થળ મુદ્દે કેજરીવાલને આતંકવાદી કહ્યા હતા. સિંહે કહ્યું કે, ભાજપ દ્વારા તમામ પ્રયાસો છતાં દિલ્હીનો દિકરો જીત્યો. અમિત શાહને દેખાડી દેવાયું છે કે, દિલ્હીનો દિકરો જીત્યો છે અને વિકાસ અને પ્રગતિ માટે દિલ્હીના લોકોએ મતદાન કર્યું છે.