(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (ડીડીઓ)ને પ્રજાહિતના કાર્યોમાં ઝડપી નિર્ણય લેવાની શીખ આપવા સાથે પ્રજાના કામોમાં ઈરાદાપૂર્વકની ભૂલ (માલાફાઈડ ઈન્ટેનશન) કે ખોટું કામ ક્યારેય ચલાવી લેવાશે નહીં તેવી ટકોર કરતાં વધુમાં જણાવ્યું હતું કે, સામાજિક વિસંવાદિતતા પિખાય નહી અને સમરસતા જળવાય તથા જળસંચય અભિયાનમાં જનસહયોગ મેળવાય તે માટે જિલ્લા ટીમના નેતૃત્વકર્તા બનો. મુખ્યમંત્રી આજે ગાંધીનગરમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટરો- જિ. વિકાસ અધિકારીઓ તથા મ્યુનિ. કોર્પોરેશનના કમિશ્નરોની સંયુક્ત પરિષદને સંબોધતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જનહિત કામોમાં બોનાફાઈડ ઈન્ટેનશનથી કોઈ ક્ષતિ કે ભૂલ થઈ હશે તો સરકાર તેમની પડખે રહેશે પરંતુ માલાફાઈડ ઈન્ટેનશન-ઈરાદાપૂર્વક કરેલી ભૂલ કે ખોટુ કામ ચલાવી લેવાશે નહીં જ. વિજય રૂપાણીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં ભ્રષ્ટાચારની બદી સામે જંગ છેડવામાં આવશે. વિસ્તારોમાં ચાલતા વિકાસ સહિતના જનહિત કામોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા અઠવાડિયામાં બે દિવસ સાઈટ વિઝીટ કરી પ્રજા વચ્ચે રહી ફિડબેક મેળવવાથી યોગ્ય સુધાર જરૂર લાવી શકાશે. મુખ્યમંત્રીએ જિલ્લાના વડાઓને પ્રેરણા આપતા ઉમેર્યું કે સાચી વ્યક્તિ, નાના માનવી કે ગરીબ, પીડિત શોષિત વંચિતને દુઃખી થવું ન પડે, પોતાના કામ માટે કોઈને એક પાઈ પણ આપવી ન પડે તેવો પારદર્શી-સંવેદનશીલ અભિગમ જિલ્લા સ્તરના પ્રત્યેક અધિકારી પાસે અપેક્ષિત છે. મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે આ પ્રકારની પરિષદ હવેથી દર ચાર મહિને યોજાશે અને વિવિધ યોજનાઓના વ્યાપક અમલીકરણ-લક્ષ્યાંક સિદ્ધિ પર ફોકશ કરાશે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત કરવામાં આવેલા સી.એમ. ડેશબોર્ડ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ વોલની વિશદ ભૂમિકા આપતાં સ્પષ્ટ કર્યું કે, રાજ્યના જિલ્લા-તાલુકા સ્તરથી લઈને સરકારના વિવિધ વિભાગોમાં સરકારની યોજનાઓના અમલીકરણ સિદ્ધિ અને પર્ફોમન્સનું નિયમિતપણે તેમના દ્વારા સ્વયં ઓન લાઈન મોનિટરીંગ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, પહેલી મેથી રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો આરંભ થઈ રહ્યો છે તેનું આગોતરૂ આયોજન કરીને આ અભિયાન દરમ્યાન તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, નદીકાંઠા સફાઈ સહિતના કામોમાં સેવા સંગઠનો અને જનસહયોગ મેળવાય તે દિશામાં કાર્યરત થઈએ. ‘વિકાસનો આધાર જ પાણી અને જમીન છે’ તેવો મત વ્યક્ત કરતા વિજય રૂપાણીએ જળ સંચય માટે જન જન પ્રેરિત થાય તેવા વાતાવરણ નિર્માણ માટે અપીલ કરી હતી.
પ્રજાના કામોમાં ઈરાદાપૂર્વક કરાયેલી ભૂલ કે ખોટું કામ ચલાવી નહીં લેવાય

Recent Comments