જનતા સંસદમાં બિહાર વિધાનસભા ચૂંટણી માટે વ્યાપક સમજૂતી સાધવા વિપક્ષોને અપીલ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮
બુધવારે એક સપ્તાહ લાંબી ચાલેલી જનતા પાર્લામેન્ટ એટલે કે જનતા સંસદનું સમાપન થયું હતું અને વિપક્ષોએ દેશમાં એકરુપતા લાદવાના કોઇ પણ પ્રયાસ સામે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે તેના કારણે દેશનું સામાજિક માળખુ કમજોર બનશે. આ જનતા સંસદમાં લોકોના પ્રશ્નો અને મુદ્દાઓ પર ૪૩ કલાક સુધી સઘન ચર્ચા વિચારણા બાદ તેનું સમાપન થયું હતું. સપ્રમાણ પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવતાં તેમણે જનતા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ ઠરાવોને સ્પષ્ટ સમર્થન આપવાનો સંકલ્પ કર્યો હતો અને વિપક્ષોની વ્યાપક એકતા ઊભી કરવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડી કાઢવા સૂચન કર્યુ હતું. કોંગ્રેસના પ્રતિનિધિ એ રાજુએ જણાવ્યું હતું કે જનતા સંસદમાં ઉદ્‌ભવેલ મોટા ભાગની દરખાસ્તો પર કોંગ્રેસની સંમતિ છે. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૯ના જનસરોકાર દરમિયાન શરૂ થયેલ આ સંવાદનું પ્લેટફોર્મ વધુ મજબૂત કરવું જોઇએ અને જનતા સંસદ આ દિશામાં એક મોટા પગલા સમાન છે. તેમણે જણાવ્યું હતું કે આ સંકલ્પ અને ઠરાવમાં લોકોના મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે અને મીડિયાએ તેને પ્રસિદ્ધિ આપવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે તેના કારણે આ મુદ્દાઓ સંસદ સત્ર દરમિયાન સંસદમાં ઉઠાવવામાં આવશે અને સિવિલ સોસાયટીએ પણ આ મુદ્દા માટે હિમાયત કરવા વ્યક્તિગત રીતે સાંસદોને મળવું જોઇએ.
ચર્ચામાં દરમિયાનગીરી કરતાં સીપીઆઇએમના મહામંત્રી સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે આ ખરેખર એક ઉપયોગી કવાયત રહી છે કારણ કે લોકડાઉન બાદ સંસદ બોલાવવામાં આવી નથી. આરએસએસનો એજન્ડા અમલી બનાવવાના વર્તમાન સરકારના સંદર્ભમાં સીતારામ યેચુરીએ ચેતવણી આપી છે કે દેશમાં એકરુપતા થોપવાનો કોઇ પણ પ્રયાસ ભારતના વિચાર અને વિભાવનાને મંદ પાડશે. તેમણે સૂચન કર્યુ હતું કે કોમન મિનીમમ પ્રોગ્રામ જેવો મુસદ્દો તૈયાર કરવામાં આવે અને તેના આધારે રાજકીય પક્ષો અને લોકઆંદોલન વચ્ચે એકતા પ્રસ્થાપિત કરવી જોઇએ. યેચુરી સાથે સંમત થતા કોંગ્રેસના નેતા રાજુએ જણાવ્યું હતું કે વિપક્ષોને સંગઠિત કરવા કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવો જોઇએ.