‘બહોત હો ગઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર’ના નારા આપી પ્રજામાં આશાવાદ જગાવી સત્તામાં આવેલી કેન્દ્રની ભાજપ સરકારે પ્રજાને ભાવવધારાના અને મોંઘવારીના ઠામ આપવાના શરૂ કર્યા છે. હાલ ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, કરોડો લોકો બેકાર બન્યા છે. તેવી સ્થિતિમાં પ્રજાને રાહત આપવાને બદલે લોલીપોપ આપી પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા પખવાડિયાથી સતત રોજેરોજ વધારો કરી લોકડાઉનમાં બેકાર બની ગયેલી અને આર્થિક ભીંસમાં આવી ગયેલી પ્રજાના ખિસ્સા ખંખેરવાનું શરૂ કર્યું છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવા રચેલા પ્રજા શકિત મોરચાએ પ્રજાની મુશ્કેલીઓને વાચા આપવાના ઉદ્દેશ્યથી સરકાર તાત્કાલિક અસરથી પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્ષ ઘટાડે તેવી અપીલ સાથે રેલી કાઢી અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર સહિત વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરોને આવેદનપત્ર પાઠવી સરકાર સામે મોરચો માંડયો હતો. અમદાવાદ કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાકિસ્તાન જેવો નાનો દેશ આવી કપરી પરિસ્થિતિમાં જનતાને રાહત આપવા પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડતો હોય અને બીજીબાજુ ભાજપની દેશની અને ગુજરાતની સરકાર સતત ભાવવધારો કરતી હોય તો તે ખૂબ જ શરમજનક કહેવાય ગુરૂવારે કલેકટરને આવેદનપત્ર આપવા ગયેલા કાર્યકરોમાં પ્રહલાદ નાયક, પંકજ પંચાલ, પ્રદીપ ધિવેદી, ઈરફાન શેખ સહિતનાનો સમાવેશ થાય છે.