(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૭
રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નિષ્ઠા તોડી પૈસા અને સત્તા ખાતર રાજીનામુ આપનાર ધારાસભ્યોને અબડાસાની મહિલાઓની જેમ સ્થાનિક મહિલા કાર્યકરોએ બંગડીઓ ભેટ આપવાનો કે બંગડીઓ પહેરાવવાનો કાર્યક્રમ આપી આવા ધારાસભ્યોના પુતળાઓને ગધેડા પર ઊંધા બેસાડી તેમના મોં પર ગોબર લીંપી આખા વિસ્તારમાં ફેરવી તેના પર જુતાઓનો વરસાદ વરસાવવો જોઈએ. તેવી લાગણી કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ વ્યક્ત કરી છે.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં અને છેલ્લે ગુજરાતમાં પૈસા અને સત્તાના જોરે વિરોધપક્ષના સભ્યોને ખરીદીને લોકશાહીનું હનન કરવાનું કામ કર્યું છે. ગુજરાત રાજ્યમાં લોકશાહીને કલંકિત કરનાર જે ઘટનાઓ બની રહી છે તે માટે હું શરમ અનુભવું છું. છેલ્લા ઘણા સમયથી પક્ષપલટો કરીને લોકો પેટાચૂંટણીમાં ફરીથી ચૂંટાઈ જાય છે તેનાથી આવી પ્રવૃત્તિઓ કરવા લોકોને બળ મળતું હોય છે. પેટાચૂંટણીઓમાં આવા વેચાઉ સભ્યોને ફરીથી ન ચૂંટી કાઢીને પ્રજા સાથે વિશ્વાસઘાત કરનાર લોકોને પ્રજાએ બોધપાઠ શીખવાડવો જોઈએ. રાજકીય પક્ષોએ પણ તકેદારી રાખીને પક્ષ પ્રત્યે નિષ્ઠાવાન અને પ્રામાણિક લોકોને જ પ્રાધાન્ય આપવું જોઈએ અને પ્રજાએ પણ જે રીતે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પેટાચૂંટણીમાં હરાવ્યા હતા તે જ રીતે પક્ષપલટુઓને પેટાચૂંટણીમાં હરાવવા જોઈએ.
ધારાસભ્ય શેખે જણાવ્યું હતું કે, ધારાસભ્ય વિપક્ષમાં હોય તો પણ પ્રજાના કામ કરાવવાની તેમનામાં આવડત હોવી જોઈએ. વિરોધપક્ષમાં રહીને પોતાના કામ થતા નથી એવા બહાના આપીને ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. પૈસા અને સત્તા ખાતર પોતાની જાતને વેચનાર ધારાસભ્યો લોકશાહી માટે કલંક સમાન છે. જે રીતે રાજ્ય અને અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ સમયે ધારાસભ્યોને ખરીદ-વેચાણ કરનારો સંઘ ઉભો થાય છે અને જે રીતે લોકપ્રતિનિધિઓને ખરીદવાની જે હરીફાઈ ચાલી રહી છે અને સરકાર બેશરમીપૂર્વક જવાબો આપે છે અને ધારાસભ્યો પણ લોકોએ આપેલ મતથી ચૂંટાયા બાદ પૈસા અને સત્તા ખાતર પક્ષ પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કરી પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરનાર ધારાસભ્યો લોકશાહીનું ખૂન કરી રહ્યા છે.