(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૨૧
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મુક્તાબહેન ડગલી સંચાલિત સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો ૨૫મો લગ્નોત્સવ યોજાયો હતો જેમાં આઠ નવદંપતીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા. સીએમ રૂપાણીએ સ્વયં પ્રજ્ઞાચક્ષુ સરિતાબહેન જયસ્વાલનું કન્યાદાન પણ કર્યું હતું. આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સમાજની સામાજિક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબદ્ધ બનવું સાચો નાગરિક ધર્મ છે. રાજ્ય સરકાર સમાજનાં સર્વાંગી-સમરસ અને સમતોલ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વાઈબ્રન્ટ સમિટની નોંધ આજે આખું વિશ્વ લઇ રહ્યુ છે તે મેગા ઇવેન્ટ પૂરી થઇ અને આજે મારે આ કરૂણાસભર સંવદેનશીલ સમારોહમાં ઉપસ્થિત રહીને કન્યાનું દાન કરવાનું થયું તે મારા જીવન માટે સદાય મંગલ ઘડી છે અને મારા જીવનનું આ સુખદ સંભારણુ બની રહેવાનું છે. સીએમ સુરેન્દ્રનગરમાં સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ આયોજિત રપમાં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવ્યાંગ સંતાન દરેક કુટુંબ માટે હંમેશા ચિંતાનો વિષય હોય છે તેવા દરેક કુટુંબોને આપણે હૂંફ આપીને તે સંતાન માત્ર કુંટુંબનું જ નહીં પણ સમગ્ર સમાજનું છે તે રીતે તેને સમાજનાં મુખ્યધારામાં લાવવા આપણે સદાય પ્રયત્નશીલ રહેવું જોઇએ. કારણ કે, આ કાર્ય તો ઇશ્વરીય કાર્ય છે. રાજ્ય સરકાર દિવ્યાંગના સર્વાગી ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. તેમનાં અભ્યાસ માટે હોસ્ટેલ સુવિધા સહિતની વ્યવસ્થા ઊભી કરવા માટે રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે. રાજય સરકારે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.
મુખ્યપ્રધાને નવપરિણીત ૮ નવદંપતિઓને સુખી દાંપત્ય જીવનની શુભકામના આપી હતી અને સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓની સરાહના કરી હતી. આ તકે સીએમ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓના હસ્તે સમાજને શ્રેષ્ઠ પ્રદાન કરનારાઓનું એવોર્ડ સન્માનપત્ર આપી ગૌરવપૂર્ણ સન્માન કર્યું હતું.