અમદાવાદ,તા. ૬
ઉત્તરાયણના તહેવાર આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે, જે અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં પોલીસના જાહેરનામાની ઐસીતૈસી કરીને કેટલાક વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ શહેર પોલીસે શહેરના નરોડા, વટવા અને સરદારનગર વિસ્તારમાંથી ૩૦૮ નંગ ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપીને પાંચથી વધુ લોકોની ધરપકડ કરી છે. તો, એસઓજીએ નરોડા-દહેગામ સર્કલ પાસેથી પોલીસે ૬૦ નંગ ચાઈનીઝ દોરી પકડી પાડી બોલેરો કાર સહિત કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે લોકોની ધરપકડ કરી છે. તો વટવા પોલીસે બાતમીના આધારે ૨૪૦ નંગ ચાઈનીઝ દોરીના જથ્થો સાથે સ્વિફ્‌ટ કાર જપ્ત કરી બે યુવકોને પકડી પાડ્‌યા છે. ચાઇનીઝ દોરીના વેચાણ અને જાહેરનામા ભંગના આ કિસ્સાઓને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજી બાજુ સરદારનગર વિસ્તારમાં બાતમીના આધારે એક યુવાનને આઠ નંગ ચાઈનીઝ દોરી સાથે પકડીને કાયદેસર કાર્યવાહી કરી છે. પોલીસે વટવા વિસ્તારમાંથી પરેશભાઈ ચાવલા (રહે. શાંતિ પ્રકાશ હોસ્પિટલની ગલીમાં), લાલચંદ દેવનાણી (રહે. બી વોર્ડ કુબેરનગર) તો નરોડામાંથી સુરેશ ઠાકોર અને કોલવાણી શ્યામલાલ (રહે. દહેગામ, ગાંધીનગર) અને સરદારનગરમાંથી ભૂરો મુલચંદાણી સામે જાહેરનામાભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.