(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
સંસદના બજેટ સત્રને શરૂ થયાને ત્રણ દિવસ થયાં છે છતાં પણ જરા પણ કામકાજ થયું નથી. બુધવારે રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડપોડ અને આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માંગણીએ છેક વેલ સુધી ધસી આવીને દેખાવ કર્યો. સભાપતિ વૈકેયા નાયડુએ રાજ્યસભાની કાર્યવાહી પહેલા ૨ વાગ્યા સુધી પછી સમગ્ર દિવસ દરમિયાન સ્થગિત કરી દેવામાં આવી. ગૃહમાં ચાલી રહેલી મઠાગાંઠનો અંત આણવા મહાજને એક બેઠક બોલાવી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહની હાર કહ્યું કે સમગ્ર વિપક્ષ બેન્ક કૌભાંડ પર ચર્ચા ઈચ્છે છે પરંતુ સરકાર તેનાથી ભાગી રહી છે. સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે આક્ષેપ કર્યો કે યુપીએ સરકારમાં થયેલા કૌભાંડ બહાર પડવાની બીકે કોંગ્રેસ નિયમોનું બહાનું કાઢીને બેન્કિંગ સેક્ટરની અનિયમિતાઓ પર ચર્ચા થવા દેવા માંગતી નથી. કોંગ્રેસે રાહુલની આગેવાની પ્રદર્શન કર્યું. લોકસભામાં સતત ત્રીજા દિવસે પણ કોઈ કામ થઈ શક્યું નહોતું. એનડીએના સાથીઓ ટીડીપી શિવસેનાએ વિવિધ મુદ્દાઓ ઉઠાવીને સંસદમાં હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થઈ કે તરત જ ટીડીપી, શિવસેના, ટીઆરએસ, વાયએસઆર, કોંગ્રેસ અને એઆઈડીએમકે જેવી પાર્ટીઓએ વિવિધ મુદ્દે હોબાળો કરવાનું શરૂ કર્યું. ઘોંઘાટને પગલે અધ્યક્ષ સુમિત્રા મહાજને એક કલાક સુધી લોકસભાની કાર્યવાહી મુલતવી રાખી હતી. સુમિત્રા મહાજન કાર્યવાહી કરવા તેમના આસને આવે તે પહેલા વિરોધ પ્રદર્શન કરી રહેલા મોટાભાગના સાંસદો વેલમાં ધસી આવ્યાં હતા અને નારેબાજી કરવા લાગ્યાં હતા. ડાબેરી અને કોંગ્રેસી સાંસદોએ તેમની બેન્ચ પર નારેબાજી કરતા જોવા મળ્યાં હતા. વિપક્ષી પીએનબી કૌભાંડ સહિત વિવિધ મુદ્દે દેખાવ કરી રહ્યાં છે. એક બાજુ ટીડીપી આંધ્ર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગણી કરી રહ્યું છે તો એઆઈડીએમકે કાવેરી વિવાદનો નિવેડો લાવવાની વાત કરી રહ્યું છે. સત્રના પહેલા દિવસની શરૂઆત પીએનબી કૌભાંડ પર હોબાળાથી થઈ. આંધ્રને વિશેષ રાજ્યના દરજ્જાની માંગણી અંગે મચેલા હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્યસભામાં પણ આ મુદ્દે જોરદાર હોબાળો મચ્યો હતો. તેને કારણે પહેલા ૧૧ વાગ્યે ૨૦ મિનિટ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી, કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો ચાલુ રહેવા પામ્યો હતો. ત્યાર બાદ કાર્યવાહી ૨ વાગ્યા સુધી અને છેલ્લે આખા દિવસ દરમિયાન બન્ને ગૃહોની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.