મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્યોને ઘટાડેલી ગતિ મર્યાદા સાથે નવું નોટિફિકેશન જાહેર કરવા પણ આદેશ કર્યો
(એજન્સી) તા.૧૫
મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર સરકારનું નોટિફિકેશન રદ કરીને દેશભરમાં હાઇવે પરના વાહનોની ગતિ વધારીને પ્રતિ કલાકના ૧૨૦ કિ.મી. કરવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ન્યાયમૂર્તિ એન કિરુબાકરન અને ન્યામૂર્તિ ટી વી તમિલ સેલ્વીની ડિવિઝન બેંચે હાઇવે પરની સ્પીડ લિમીટને લગતા કેન્દ્રના ૬,એપ્રિલ ૨૦૧૮ના જાહેરનામાને રદ કરી દીધું છે. આ સાથે જ મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આ ગતિ ઘટાડતું નવું નોટિફિકેશન ઇસ્યૂ કરવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે ૩, માર્ચે એક અપીલ પર વચગાળાનો આદેશ જારી કરતાં અપીલ કરનારના વળતરની રકમ ૧૮.૪૩ લાખથી વધારીને રૂા.૧.૫૦ કરોડ કરી નાખી હતી. એક ડેન્ટીસ્ટ માર્ગ અકસ્માતમાં ૯૦ ટકા વિકલાંગ થઇ ગયાં હતાં. આ અકસ્માત એપ્રિલ, ૨૦૧૩માં તામિલનાડુના કાંચિપુરમમાં થયો હતો. હાઇકોર્ટની આ બેંચે વળતર વધારવાની સાથે ૧૨ સવાલો પણ ઉઠાવ્યાં હતાં. તેમાં પહેલો સવાલ કેન્દ્ર સરકારને પોતાના ૨૦૧૮ના નોટિફિકેશન પર પુનઃ વિચારણા કરવા અને ગતિની મર્યાદા પ્રતિ કલાક ૧૨૦ કિ.મી. સુધી વધારવાના નિર્ણયને લઇને હતો. આ સવાલના જવાબ અને ફોલોઅપ રિપોર્ટ રજૂ કરવા માટે આગામી સુનાવણી ઓગસ્ટમાં નિર્ધારીત થઇ હતી. કેન્દ્ર સરકારે જવાબમાં ગતિ મર્યાદા વધારવાની પોતાની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. કેન્દ્રએ જણાવ્યું હતું કે બહેતર એન્જિન ટેકનોલોજી અને બહેતર માર્ગના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને મોટર વાહનોની ગતિ મર્યાદાની સમીક્ષા માટે એક તજજ્ઞ સમિતિની રચના કરવામાં આવી હતી. તેની ભલામણ અનુસાર મંત્રાલય દ્વારા વિવિધ માર્ગો પર વાહનોની મહત્તમ સ્પીડમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેના પર ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે બહેતર એન્જિન ટેકનોલોજી અને બહેતર સડકો છે પરંતુ વાહન ચાલકો દ્વારા સડક સુરક્ષાના નિયમોના પાલનમાં કોઇ સુધારો થયો નથી. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ રિપોર્ટમાં અકસ્માતમાં થયેલ મોતની સંખ્યા એ પુરવાર કરે છે કે વધુ ઝડપને કારણે અકસ્માતો પણ વધુ થઇ રહ્યાં છે.
Recent Comments