(એજન્સી) મુંબઇ, તા. ૩૦
બોલિવૂડના વધુ એક દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું કેન્સર સામે બે વર્ષ સુધી લડ્યા બાદ અવસાન થયું હતું. આ સમાચારને તેમના ભાઇ રણધીર કપૂરે પૃષ્ટી કરી હતી. બાદમાં પરિવારે પણ પ્રથમવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ અભિનેતા લ્યુકેમિયાથી પીડાતા હતા જેને સામાન્ય રીતે બ્લડ કેન્સરથી જાણવામાં આવે છે. આ પ્રથમવાર બન્યું છે કે, પરિવારે ઋષિ કપૂરની બીમારીનો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે, તેમને કેન્સર હતું. આ પહેલા તેઓ જ્યારે ૨૦૧૮માં સારવાર માટે ગયા હતા ત્યારે એવી વાતો ફેલાઇ હતી કે, તેમને કેન્સર છે અને તે માટે તેઓ સારવાર કરાવવા ગયા છે. પરિવારના નિવેદનમાં કહેવાયું હતું કે, બે વર્ષ સુધી લ્યુકેમિયા સામે લડ્યા બાદ અમારા પ્રિય ઋષિ કપૂર હોસ્પિટલમાં સવારે ૮.૪૫ વાગે અવસાન પામ્યા છે. હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે કહ્યું છે કે, તેઓએ છેલ્લી ઘડીએ પણ તેમને મનોરંજન પુરૂં પાડ્યું હતું.