(એજન્સી) તા.૯
ચીનમાં ફરજ બજાવતા કેટલાક અમેરિકન રાજદ્વારીઓની રહસ્યમય બીમારી પછી અમેરિકાએ એક વિસ્તૃત હેલ્થ એલર્ટ જાહેર કર્યો હતો. અમેરિકી વિદેશ વિભાગે આ વખતે સમગ્ર ચીન માટે આ એલર્ટ જાહેર કર્યો છે. આ રહસ્યમય બીમારીના ચિહ્નો બ્રેઈન ટ્રોમા જેવા છે. અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે મે મહિનામાં ફકત દક્ષિણ ચીનના ગ્વાંગ્ઝુ શહેર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે સમગ્ર ચીન માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે તેણે ગ્વાંગ્ઝુ સ્થિત તેની વાણિજ્ય એલચી કચેરીથી બધા જ પીડિત રાજદ્વારીઓને અમેરિકા પાછા બોલાવી લીધા હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે ચીનમાં ફરજ બજાવી રહેલાં એક સરકારી કર્મચારીમાં એવા જ લક્ષણો જોવા મળ્યા હતા જે ર૦૧૬માં કયુબાની રાજધાની હવાનામાં ફરજ બજાવતા ર૪ રાજદ્વારીઓમાં જોવા મળ્યા હતા. આ રાજદ્વારીઓની બીમારીનું કારણ એક રહસ્યમય અવાજ હતો. જેના કારણે એવી અફવા ફેલાઈ હતી કે ધ્વનિ તરંગોના કોઈ શસ્ત્ર વડે અમેરિકી રાજદ્વારીઓને લક્ષ્યાંક બનાવવામાં આવે છે. ગ્વાંગ્ઝુમાં પણ અમેરિકી રાજદ્વારીએ આવું રહસ્યમય અવાજ સાંભળ્યા પછી બીમાર પડ્યા હતા.
પ્રથમ કયુબા, પછી ચીન : અમેરિકાના રાજદ્વારીઓની બીમારી પાછળ રહસ્યમય શસ્ત્રનો ભય

Recent Comments