હિંમતનગર, તા.૧૮
છેલ્લા ચારેક વર્ષથી અમદાવાદ વાયા ડુંગરપુર થઇ ઉદેપુર જતી ટ્રેન સેવા બંધ કરાઈ છે, ત્યારે મીટર ગેજલાઈનને બ્રોડગેજમાં ફેરવવા માટે રેલવે વિભાગ દ્વારા અંદાજે રૂા.૨૮૦૦ કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. ત્યારે બાદ પ્રથમ તબક્કામાં અમદાવાદથી હિંમતનગર સુધીના રેલવે ટ્રેકનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ થોડા મહિના અગાઉ અમદાવાદથી હિંમતનગર સુધીની ટ્રેન શરુ કરવામાં આવી હતી. દરમિયાન કોરોનાને લઈને અત્યારે ટ્રેન સેવા બંધ છે તો બીજી તરફ રેલવે વિભાગ દ્વારા હિંમતનગરથી ડુંગરપુર વચ્ચેનો રેલવે ટ્રેકનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ ટ્રેન સેવા શરુ કરતા અગાઉ રેલખંડનું નિરીક્ષણ શરુ કરાયું છે. જે તા.૨૬ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. રેલવે તંત્ર દ્વારા ડુંગરપુરથી રાયગઢ વચ્ચેના રેલ ઉપખંડનું નિરીક્ષણ કરવાનું નક્કી કરાયું હતું. જેના ભાગરૂપે બુધવારથી ડુંગરપુરથી રાયગઢ સુધીના ઉપખંડનું એન્જિન અને નિષ્ણાતો સાથેની ટીમેં એક ડબ્બામાં નિરીક્ષણનું કામગીરી શરૂ કરી દીધી હતી. જે ગુરૂવારે પણ ચાલુ રહેવા પામી હતી. રેલવે સૂત્રોના જણાવાયા મુજબ આ ઉપખંડની ચકાસણી અને નિરીક્ષણની કામગીરી ૨૬ ડીસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. ત્યારબાદ આ નિષ્ણાંતોની ટીમ દ્વારા ઉપખંડનો અહેવાલ રેલવે સેફટી બોર્ડને સુપરત કરાશે. જે આધારે રેલવે તંત્ર ડુંગરપુરથી વાયા હિંમતનગર થઇ અમદાવાદ સુધીની ટ્રેન સેવા શરૂ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ આગળની કાર્યવાહી શરુ કરી દેશે. અંદાજે રૂ ૧૬૬૦ કરોડના ખર્ચે નિર્માણાધીન હિમતનગર થી ઉદેપુર વચ્ચેની ટ્રેક બદલવાની અઘરી કામગીરી હેમખેમ પૂર્ણ કરી હોવા છતાં ઉદેપુર સુધીની રેલ્વે લાઈનને જોડવા માટે કેટલીક ટૂંકા અંતરની કામગીરી ચાલી રહી છે.જે માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થવાની આશા છે.જયારે તમામ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ અમદાવાદ થી ઉદેપુર થઇ લોકોને દિલ્હી સહીતના દેશના અન્ય સ્થળે જવા માટે અમદાવાદ,બરોડા કે મહેસાણા સુધી લાંબુ થવું પડશે નહિ.